વટવા પોલીસ સ્ટેશનમાં જુગારના આરોપીનું શંકાસ્પદ હાલતમાં મોત

અમદાવાદ: શહેરના વટવા પોલીસ સ્ટેશનમાં એક જુગારના કેસમાં ધરપકડ કરીને લાવેલા એક યુવકનું કસ્ટડીમાં ભેદી રીતે મોત થતાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં ચકચાર મચી ગઇ છે. મોડી રાતે વરલીમટકાના કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં એકનું મોત થયું છે. આરોપીનું મોત હાર્ટએટેકથી થયું હોવાનું પોલીસ રટણ કરી રહી છે ત્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે. પોલીસના ઢોર મારથી યુવકનું મોત થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કરતા ન્યાયની માંગ કરી છે.

વટવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને બાતમી મળી હતી કે વટવામાં આવેલ મગદુમનગરના સા‌િજદ રો-હાઉસમાં રહેતો ૪પ વર્ષીય સમસુદ્દીન અબ્દુલહનીફ શેખે વરલીમટકાનો જુગાર ચલાવે છે. બાતમીના આધારે પોલીસ મોડી રાતે સમસુદ્દીન શેખ અને તેના સાગરીતની ધરપકડ કરીને વટવા પોલીસ સ્ટેશનમાં લાવ્યા હતા.

રાતના આઠ વાગ્યાની આસપાસ પોલીસ બન્ને જણાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરતા હતા ત્યારે અચાનક સમસુદ્દીન શેખની ત‌િબયત લથડી હતી અને તે બેભાન થઇ ગયો હતો. સમસુદ્દીન બેભાન થઇ જતાં પોલીસ કર્મચારીઓએ તાત્કા‌િલક ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ બોલાવી હતી અને તેને એલ.જી.હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. હોસ્પિટલમાં સમસુદ્દીનને તબીબોએ મૃત જાહેર કર્યો હતો.

સમસુદ્દીનના કસ્ટડીમાં થયેલા મોતના મામલે ઉચ્ચ પોલીસ અધિકારી તાત્કા‌િલક વટવા પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા અને સાચી હકીકત જાણવા માટે તપાસ શરૂ કરી હતી. સમસુદ્દીનના મોતથી અજાણ તેના પ‌િરવારને પોલીસે વહેલી પરોઢે ચાર વાગે ઘરે જઇને જાણ કરી હતી. સમસુદ્દીનની ધરપકડ કરી છે તેની જાણ પોલીસે તેમના પરિવારને કરી હતી નહીં.

વહેલી પરોઢે જ્યારે પોલીસ સમસુદ્દીનના ઘરે પહોંચી ત્યારે તેમના મોતની જાણ કરી હતી. સમસુદ્દીનનાં પરિવારજનો તાત્કા‌િલક પોલીસ સ્ટેશનમાં દોડી આવ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. પોલીસે તેમના પરિવારને સમજાવ્યું હતું કે તેનું મોત હાર્ટએટેકથી થયું છે. પોલીસે તેને માર પણ નહોતો માર્યો.

પોલીસની વાતને નહીં માનતાં પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો. પોલીસ સ્ટેશનમાં હોબાળો કરીને પરિવારજનો હોસ્પિટલ પહોંચી ગયા હતા, જ્યાં તેમણે પેનલ ડોક્ટરથી પોસ્ટમોર્ટમ થાય તેવી માગ કરી હતી. આ સાથે સમસુદ્દીનના મોતનું સાચું કારણ સામે નહીં આવે ત્યાં સુધી તેની લાશને પણ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો.

સમસુદ્દીનના કસ્ટોડીયલ ડેથ મામલે વટવા પોલીસે નેશનલ હ્યુમન રાઇટ્સ ક‌િમશન, સ્ટેટ હ્યુમન રાઇટ્સ ક‌િમશન સહિત પોલીસ અધિકારીઓને રીપોર્ટ કરવા માટેની તજવીજ શરૂ કરી છે. વટવા પોલીસ સ્ટેશનના પીઆઇ હસમુખ સીસારાએ જણાવ્યુ છે કે સમસુદ્દીનનું મોત હાર્ટએટેકથી થયું છે. પોલીસ કર્મચારીઓએ તેને ટોર્ચર કે માર નથી માર્યો.

ઉલ્લેખનીય છે કે ગત મહિને બગોદરામાં ચોરીના આરોપ હેઠળ લવાયેલા સુરભા ઝાલાનું પોલીસના મારથી મોત થયું હતું. એલસીબીની ઓફિસમાં થયેલી આ ઘટનામાં પોલીસે એસઓજીના પી.અસ.આઈ. એન.એ.રાયમા, એસ.ઓ.જી.ના હેડ કોન્સ્ટેબલ મુકેશસિંહ દોલતસિંહ અને એલ.સી.બી.ના સાદિકભાઈ ઉસ્માનભાઈ સહિત પોલીસ કર્મચારીઓ વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ થયો હતો. આ કેસની તપાસ કરી રહેલા ડીવાયએસપી કે.ટી.કામરીયાએ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

બગોદરા પોલીસ સ્ટેશનમાં પાર્સલ ચોરીનો ગુનો દાખલ કરાયો હતો જેમાં આઈશર ગાડીના ચાલક સુરુભા ઝાલાની એલસીબી ટીમે અટકાયત કરી હતી. સુરુભા ઝાલાને એલસીબી કચેરીમાં લવાયા હતા જ્યાં વહેલી સવારે તેમનું ગભરામણથી મોત થયું હોવાનું પોલીસ કહી રહી હતી.

જોકે સુરુભાના શરીર પરથી માર માર્યાના નિશાનો મળી આવ્યા હતા. પગના અંગૂઠાને ખેંચતાં લોહી નીકળતું હતું. ઉપરાંત શરીરના કેટલા ભાગ પર ઈલેક્ટ્રીકના શોર્ટ આપ્યાના નિશાનો મળી આવ્યા હતા.

You might also like