રમજાનમાં મતદાનના નામે છેડાયેલ વાહિયાત વિવાદ

ભારતીય લોકતંત્રની વિડંબના એ છે કે કોઇ પણ મુદ્દે વિવાદ ઉછાળવામાં આવે છે. તાજેતરમાં લોકસભાની સામાન્ય ચૂંટણીઓની તારીખો જાહેર થતાંની સાથે જ વિઘ્નસંતોષીઓએ વિવાદનો મધપૂડો છંછેડવાનું શરૂ કરી દીધું. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને કેટલાક મુસ્લિમ સંગઠનોએ ત્રણ રાજ્યમાં રમજાન દરમિયાન ચૂંટણીની તારીખો જાહેર કરવા સામે બિનજરૂરી વિવાદ ઊભો કર્યો છે અને ચૂંટણી પંચને તારીખ બદલવા માટે રજૂઆત કરી છે.

જોકે તેની સામે મશહૂર શાયર, ગીતકાર અને બોલિવૂડ ફિલ્મના સંવાદ લેખક જાવેદ અખ્તરે રમજાન દરમિયાન મતદાન સામે સવાલ ઉઠાવી રહેલા લોકોને જડબાંતોડ જવાબ આપતાં જણાવ્યું છે કે રમજાન અને ચૂંટણીને લઇને જે વિવાદ છેડાયો છે તે ખરેખર ઘૃણાસ્પદ છે. તેમણે જણાવ્યું છે કે આ વિવાદ એ ધર્મ નિરપેક્ષતાની વિકૃત અને વિક્ષેપિત આવૃત્તિ છે જે મારા માટે પ્રતિકારક, વિદ્રોહી અને અસહ્ય છે. ચૂંટણીપંચે તેમાં કોઇ ફેરવિચારણા કરવાની જરૂર નથી.

એટલું જ નહીં, પરંતુ અસદુદ્દીન ઓવેસીએ પણ જણાવ્યું છે કે રમજાન અને ચૂંટણીને કોઇ લેવાદેવા નથી. આ પ્રકારનાં નિવેદનો એ મુસ્લિમોનાં અપમાન સમાન છે. ઓવેસીએ એવું પણ જણાવ્યું છે કે મુસ્લિમો રમજાન દરમિયાન મોટા પાયે મતદાન કરશે જ. તેમણે આપના નેતા અમાનુલ્લાખાનના નિવેદનને નકારી કાઢયું હતું. ચૂંટણી પંચે પણ આ અંગે સ્પષ્ટતા કરી છે. રમજાન મહિનામાં ચૂંટણી કરાવવાના નિર્ણય સામે ઉઠાવવામાં આવી રહેલા પ્રશ્નોને નકારતાં ચૂંટણી પંચે જણાવ્યું છે કે ચૂંટણીના કાર્યક્રમોમાં મુસ્લિમોના મુખ્ય તહેવારો અને શુક્રવારનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. કોઇ જગ્યાએ શુક્રવારે મતદાન થવાનું નથી.

મુખ્ય ચૂંટણી કમિશનરે લોકસભાની લાંબી ચૂંટણી પ્રક્રિયા અંગે ખુલાસો કરતાં જણાવ્યું છે કે માઓવાદી અને આતંકવાદને ધ્યાનમાં લઇને સુરક્ષા દળોને દેશના એક છેડેથી બીજા છેડે સુરક્ષા માટે મોકલવાં પડતાં હોય છે અને તેથી બે ચૂંટણી વચ્ચે અંતર રાખવું જરૂરી છે. વાસ્તવમાં પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી દુઃખે છે પેટ અને કૂટે છે માથું એવું વલણ અપનાવીનેે બેઠાં છે. તેમણે રમજાન દરમિયાન મતદાન સામે વાંધો ઉઠાવીને જણાવ્યું છે કે મતદાન ઓછું થાય એટલે ભાજપને ફાયદો થાય અને તેથી આ પ્રકારની સાજીશ ભાજપ દ્વારા રચવામાં આવી છે. તેમના આ નિવેદનમાં ભાજપ પ્રત્યેનો પૂર્વાગ્રહ સ્પષ્ટપણે નજરે પડે છે.

મુસ્લિમ માટે રમજાન પવિત્ર મહિનો છે. આ મહિના દરમિયાન મોટા ભાગના મુસ્લિમો રોજા રાખે છે ને આખો દિવસ કશું ખાતા તો નથી જ, પણ પાણીનું ટીપું પણ પીતા નથી. આ બહુ સંયમનું કામ છે ને એ માટે તેમને ધન્યવાદ આપવા જ પડે, પણ તેના કારણે તેમની રોજિંદી જિંદગી કંઈ અટકી જતી નથી. મુસ્લિમો એ દરમિયાન પોતાનાં રોજિંદાં કામો કરે જ છે. નોકરી કરનારા નોકરીએ જાય છે, ધંધો કરનારા ધંધે જાય છે, મજૂરી કરનારા મજૂરીએ જાય છે. મહિલાઓ ઘરકામ કરે છે ને છોકરાં ભણે છે.

રમજાનના મહિનામાં મુસ્લિમો બધું બાજુ પર મૂકીને બેસી જાય એવું બનતું નથી. સાંજે રોજા છોડે ત્યારે બધા ભેગા મળીને ખાય-પીએ કે બહાર ફરે પણ દિવસે તો તેમની જિંદગી રાબેતા મુજબ જ ચાલતી હોય છે. તેમાં કોઈ ફરક આવતો નથી તો પછી મતદાન કરવા જવામાં તેમને શું તકલીફ હોય ? કોઈ તકલીફ ના હોય ને એટલે જ મુસ્લિમો તો પોતાને તકલીફ છે એવું કહેતા જ નથી. વાસ્તવમાં એવું લાગી રહ્યું છે કે મુસ્લિમોના કહેવાતા નેતાઓ આ પ્રકારનો વાહિયાત વિરોધ કરીને વિવાદ કરવા ખાતર વિવાદ છેડી રહ્યા છે અને મમતા જેવા નેતાઓ તેમને ઉશ્કેરી રહ્યાં છે.

You might also like