2019ની ચૂંટણી નવા મુખ્ય ચૂંટણી કમિશનરના નેતૃત્વમાં યોજાશે

નવી દિલ્હી: રાજસ્થાન કેડરના ૧૯૮૦ની બેચના સેવા નિવૃત્ત આઇએએસ અધિકારી સુનીલ અરોરા દેશના નવા મુખ્ય ચૂંટણી કમિશનર બનશે. ર૦૧૯ની લોકસભાની સામાન્ય ચૂંટણી તેમના જ નેતૃત્વમાં યોજાશે. ચૂંટણીપંચના પ્રવકતાએ જણાવ્યું હતું કે સુનીલ અરોરા ર ડિસેમ્બરે નવા ચૂંટણી કમિશનરનો કાર્યભાર સંભાળશે.
વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર ઓ.પી.રાવત ૧ ડિસેમ્બરના રોજ નિવૃત્ત થઇ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કાયદા મંત્રાલયે અરોરાની નિમણૂકને સરકાર તરફથી મંજૂરી મળ્યા બાદ બહાલી અર્થે રાષ્ટ્રપતિને મોકલી આપી છે. મંત્રાલયના ઉચ્ચ કક્ષાનાં સૂત્રોના જણાવ્યા અનુસાર સુનીલ અરોરાની નિમણૂકની વિધિવત્ જાહેરાત અંગે ટૂંક સમયમાં નોટિફિકેશન જારી કરાશે.
સુનીલ અરોરાની ૩૧ ઓકટોબર, ર૦૧૭ના રોજ ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ઓ.પી. રાવત બાદ તેઓ બીજા ક્રમના સૌથી વરિષ્ઠ ચૂંટણી કમિશનર છે. સુનીલ અરોરા માહિતી અને પ્રસારણ સચિવ તેમજ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયમાં સચિવ તરીકે કામ કરી ચૂકયા છે. તેમણે નાણાં મંત્રાલય, કાપડ મંત્રાલય અને યોજના પંચમાં પણ કામ કર્યું છે.
વર્ષ ૧૯૯૯-ર૦૦૦ વચ્ચે તેઓએ નાગરિક ઉડ્ડયન મંત્રાલયમાં ફરજ બજાવી હતી. પાંચ વર્ષ સુધી તેમણે ઇન્ડિયન એરલાઇન્સમાં સીએમડીની ભૂમિકા અદા કરી ચૂકયા છે. રાજસ્થાનમાં ૧૯૯૩ અને ૧૯૯૮ વચ્ચે તેઓ મુખ્યપ્રધાનના સચિવ અને ર૦૦પ-ર૦૦૮ વચ્ચે મુખ્યપ્રધાનના મુખ્ય સચિવ તરીકે રહ્યા હતા.

You might also like