દંપતીને સરકારી સહાયના બહાને મહિલા ૧૩ દિવસના બાળકને ઉઠાવી ગઈ

અમદાવાદ: શહેરના અસારવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં એક ૧૩ દિવસના બાળકનું અપહરણ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. બાળકના જન્મ પર સરકાર તમને રૂપિયા આપશે તેવું કહીને મહિલા એક દંપતી અને તેનાં બાળકને સિવિલ હોસ્પિટલમાં લાવી હતી. જ્યાં બાળકનું વજન કરાવવા જવાનું કહીને મહિલા તેને લઇ ગઇ હતી. બાળકના અપહરણ કેસમાં શાહીબાગ પોલીસે તેમજ ક્રાઇમ બ્રાંચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને મહિલાની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

ગરીબ અને અશિક્ષિત દંપતીનાં જીવનમાં ૧૩ દિવસ પહેલાં આવેલી ખુશીઓ પર એક મહિલાએ ગ્રહણ લગાવી દીધું છે. ૧૨ હજાર રૂપિયાની લાલચ આપીને મહિલા નવજાત બાળકનું અપહરણ કરીને ફરાર થઇ ગઇ છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલ અંબાજી – દાંંતા રોડ પર પીપળાવાળી વાવમાં રહેતા મૂકેશભાઇ કાળાભાઇ ખોખરિયાએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં એક ૫૦ વર્ષની મહિલા વિરુદ્ધમાં ફરિયાદ કરી છે.

મૂકેશભાઇ અને તેમની ગર્ભવતી પત્ની શારદા એક મહિના પહેલાં પાલનપુર બસસ્ટેન્ડ પર સવિતાબહેન નામની મહિલાને મળ્યાં હતાં.બાળકના જન્મ પર સરકાર ૧૨ હજાર રૂપિયા આપે છે તેવી લોભામણી લાલચ આપી હતી. તમારે પણ રૂપિયા જોઇતા હોય તો હું અપાવીશ તેવી વાત સવિતાબહેને મૂકેશભાઇ અને શારદાબહેનને કરી હતી.

લોભામણી લાલચ આપીને સવિતાબહેને શારદાબહેનની સુવાવડની તારીખ જાણી લીધી હતી અને તેમને મોબાઇલ નંબર આપ્યો હતો. ૧૩ દિવસ પહેલાં શારદાબહેને એક પુત્રને જન્મ આપ્યો હતો. જેની જાણ સવિતાબહેનને થતાં તેઓ બે દિવસ પહેલાં મૂકેશભાઇના ઘરે પહોંચી ગઇ હતી. સવિતાએ મૂકેશભાઇના ઘરે રાત્રી રોકાણ કર્યું હતું અને સરકાર ૧૨ હજાર રૂપિયા આપશે તેવું કહ્યું હતું. રૂપિયાની લાલચમાં આવીને ગઇ કાલે સવિતાબહેન, મૂકેશભાઇ, શારદાબહેન બાળકને લઇને સિવિલ આવ્યાં હતાં.

સિવિલ પહોંચીને મૂકેશભાઇને સુવાવડનાં કાગળિયાં સિવિલ હોસ્પિટલમાં જમા કરાવવા મોકલ્યા હતા જ્યારે શારદાબહેનના હાથમાંથી બાળકને લઇને વજન કરાવીને આવું છું તેમ કહીને સવિતાબહેન જતાં રહ્યાં હતાં. મૂકેશભાઇ કાગળિયાં જમા કરાવ્યા વગર શારદાબહેન પાસે આવ્યા હતા, જ્યાં સવિતાબહેન અને બાળક ક્યાં છે તેમ પૂછ્યું હતું.

થોડાક સમય સુધી સવિતાબહેન બાળક લઇને પરત નહીં આવતાં મૂકેશભાઇએ સિવિલ હોસ્પિટલમાં શોધખોળ શરૂ કરી હતી. સિવિલ હોસ્પિટલના ખૂણેખૂણે તપાસ કર્યા બાદ પણ સવિતાબહેન અને બાળક નહીં મળતાં તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો.

સિવિલ હોસ્પિટલમાંથી બાળકનું અપહરણ કરીને એક મહિલા ફરાર થઇ ગઇ છે તેની જાણ શાહીબાગ પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર એ.કે.પટેલને થતાં તેઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મોડી રાતે ડીસીપી શ્વેતા શ્રીમાળી, એસીપી રાજેશ ગઢીયા સહિત પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગયો હતો ત્યારે ક્રાઇમ બ્રાંચની ટીમ પણ સિવિલ દોડી આવી હતી.

શાહીબાગ પોલીસે સવિતાબહેન વિરુદ્ધમાં અપહરણનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. સિવિલ હોસ્પિટલમાં ૭૦ કરતાં વધુ હાઇ ડેફિનેશનના કેમેરા આવેલા છે જેના ફૂટેજ પોલીસે મેળવી લીધા છે. સિવિલ હોસ્પિટલની બહાર જ સવિતા શારદાબહેન પાસેથી બાળક લેતાં હોવાના ફૂટેજ પોલીસે કબજે કર્યા છે. બાળકનું અપહરણ કરીને તેને ઊંચા ભાવે વેચી મારવાનું કાવતરું સવિતાબહેને ઘડ્યું હોય તેવું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

સવિતાબહેન બાળકનું અપહરણ કરીને લઇ જતાં મૂકેશભાઇ અને શારદાબહેન પર આભ ફાટ્યું હોય તેવું સ્થિતિ સર્જાઇ છે તેવામાં આ ગરીબ દંપતીને પોલીસે હિંમત આપી છે ગઇ કાલથી આ દંપતી પોલીસ સ્ટેશનમાં છે. જેમનું ખાવા પીવાનું ધ્યાન પોલીસ રાખી રહી છે.

You might also like