થલતેજના સંગિની બંગલોઝમાં મોડી રાતે તસ્કરો ત્રાટક્યા

અમદાવાદ: અમદાવાદના પોશ વિસ્તારોને તસ્કરોએ ફરી નિશાને બનાવ્યા છે. અમદાવાદના થલતેજ અને સોલા વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે.થલતેજના પોશ ગણાતા એવા સંગિની બંગલોઝ મોડી રાતે તસ્કરોએ ત્રાટકી વેપારીના બંગલા સહિત ત્રણ બંગલાનાં તાળાં તોડી રૂ.3.26 લાખની મતાની ચોરી કરી હતી.આ અંગે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજ્બ થલતેજ ગામ નજીક સંગિની બંગલોઝ આવેલા છે. 31 નંબરના બંગલામાં વિનોદભાઈ પટેલ તેમના પરિવાર સાથે રહે છે. વિનોદભાઈ ન્યુ કલોથ માર્કેટમાં કાપડનો વ્યવસાય કરે છે. ગુરુવારે મોડી રાતે વિનોદભાઈ પટેલનો પરિવાર જમીને બંગલાના ઉપરના માળે સુઈ ગયો હતો.દરમિયાનમાં તસ્કરોએ બંગલામાં પાછળના દરવાજેથી પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપિયાની ચોરી કરી હતી.

વહેલી સવારે વિનોદભાઇએ જાગીને જોયું તો તેમના ઘરમાંથી ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. ચોરી થતાં આસપાસના લોકો પણ ભેગા થઇ ગયા હતા. દરમ્યાનમાં 51 અને 28 નંબરના બંગલામાં પણ તસ્કરો ત્રાટક્યા હોવાનું જાણવા મળ્યું હતું. તસ્કરોએ આ બંને બંગલામાંથી પણ રોકડ રૂપિયા અને દાગીનાની ચોરી કરી હતી. તસ્કરોએ ત્રણેય મકાનમાંથી કુલ રૂપિયા ૩.ર૬ લાખની મત્તા ચોરી કરી હતી. આ અંગે સોલા પોલીસને જાણ કરાતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. સોલા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મકાનમાંથી અવાજ અાવ્યો, પાડોશીએ પોલીસને ફોન કર્યો ને ચોર ઝડપાયા
શહેરના ઇસનપુર વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં એનઆરઆઇના મકાનમાં ચોરી કરવા ઘૂસેલા બે તસ્કરોને સ્થાનિક રહીશો તેમજ પોલીસે રંગેહાથ ઝડપી લીધા છે. સોસાયટીમાં રહેતા યુવકની સતર્કતાના કારણે બંધ મકાનમાં ચોરી કરવા આવેલ તસ્કરો પકડાઇ ગયા છે. ઇસનપુર વિસ્તારમાં આવેલ લેકવ્યૂ સોસાયટીમાં રહેતા વિશાલભાઇ જોષીએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં બે ઘરફોડ ચોર વિરુદ્ધમાં ચોરીની ફ‌િરયાદ કરી છે. વિશાલભાઇના મકાનની બાજુમાં અંકુરભાઇ નિરંજનભાઇ ત્રિવેદીનું મકાન આવેલું છે.

સાત વર્ષ પહેલાં અંકુરભાઇ તેમના પરિવાર સાથે અમેરિકા રહેવા માટે જતા રહ્યા છે. ગઇ કાલે મોડી રાતે અંકુરભાઇના મકાનમાં તોડફોડનો અવાજ આવતાં વિશાલભાઇએ પોલીસ કંટ્રોલમાં ફોન કરીને ચોર ઘૂસ્યા હોવાની આશંકા વ્યક્ત કરી હતી. પોલીસ કંટ્રોલમાં ફોન આવતાંની સાથે જ ઇસનપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ટીમ સાથે લેકવ્યૂ એપાર્ટમેન્ટમાં પહોંચી ગયા હતા. પોલીસ તેમજ સોસાયટીના રહીશોએ મકાનમાં જઇ જોતાં બે યુવકો ચોરી કરતાં રંગેહાથ ઝડપાઇ ગયા હતા. પોલીસે સુનીલ કિશન દંતાણી અને સુરેશ નારાયણ દંતાણી (બન્ને રહે. ઔડાનાં મકાન, ભઠ્ઠા ગામ, પાલડી)ની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે. બન્ને યુવકોએ મકાનનો દરવાજો તોડીને ત્રણ રૂમમાં છાનબીન કરીને સરસામાન વેરવિખેર કર્યો હતો અને તિજોરી તોડી નાખી હતી.

You might also like