થલતેજના રેસ્ટોરાંમાં દારૂ અને હુક્કાની મહેફિલમાં પોલીસ ત્રાટકી

અમદાવાદ: શહેરના થલતેજ વિસ્તારમાં ઝાયડસ હોસ્પિટલ પાછળ આવેલી અર્બન કલબ રેસ્ટોરન્ટમાં ચાલતી હુક્કા-દારૂની મહ‌ેફિલ પર સોલા પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે મહ‌ેફિલ માણતા રેસ્ટોરન્ટના માલિક, વિદ્યાર્થી, હોટલ માલિકો અને એનઆરઆઇ સહિત પાંચની ધરપકડ કરી હતી. રેસ્ટોરન્ટમાં મોડી રાત્રે જામેલી મહ‌ેફિલમાં હુક્કો મળી આવ્યો હોવા છતાં પોલીસે હુક્કો મુદ્દામાલ તરીકે દર્શાવ્યો નથી. ઉપરાંત ૧૦ થી વધુ શખસ મહ‌ેફિલમાં હાજર હોવા છતાં માત્ર પાંચ લોકો જ મહ‌ેફિલ માણતા હોવાનું ચોપડે નોંધાયું છે. સૂત્રોના જણાવ્યા મુજબ કેસને રફેદફે કરવા તેમજ અગાઉની જેમ પણ છોડી મૂકવા ભલામણ કરવા કેટલાક શખસ પોલીસ સ્ટેશને પણ દોડી  ગયા હતા.

મળતી માહિતી મુજબ ગત રાત્રે સોલા પોલીસ સ્ટેશનની વન ગાડીને પોલીસ કંટ્રોલ રૂમમાંથી મેસેજ મળ્યો હતો કે ઝાયડસ હોસ્પિટલ પાછળ આવેલી અર્બન કલબ એન્ડ રેસ્ટોરન્ટમાં હુક્કા અને દારૂની મહેફિલ ચાલે છે. જેના આધારે સોલા પીએસઆઇ એમ.એલ. રાજપૂત અને તેમની ટીમે રેસ્ટોરન્ટ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમ્યાન રેસ્ટોરન્ટમાં ૧૦ થી વધુ લોકો હાજર હતા.

પોલીસે રેસ્ટોરન્ટના માલિક પ્રતીક ગજ્જર સહિત એનઆરઆઇ, વિદ્યાર્થી અને બે હોટલ માલિકોને દારૂ પીધેલી હાલતમાં ઝડપ્યા હતા. રેસ્ટોરન્ટમાં આવેલી કાચની કેબિનમાં બેસી તેઓ દારૂની મહ‌ેફિલ માણી રહ્યા હતા. સોલા પોલીસ દ્વારા રેસ્ટોરન્ટમાં ચાલતી મહ‌ેફિલ પર દરોડો પડતાં સોલા પોલીસ સાથે ઘરોબો ધરાવતા કેટલાક લોકો પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા અને અગાઉ દારૂની મહ‌ેફિલના કેસમાં પતાવટ કરી જવા દીધા હતા તેમ જવા દેવા ભલામણો કરી હતી. જોકે પોલીસે કેસ ન બતાવીએ તો અમારા પર આક્ષેપ થાય છે તેમ જણાવી દીધું હતું.

ઉપરાંત પોલીસને રેસ્ટોરન્ટમાંથી એક દારૂની બોટલ, બે સોડાની ખાલી બોટલ, ખાણી-પીણીનો સામાન અને હુક્કો મળી આવ્યો હતો. જોકે પોલીસે હુક્કાને મુદ્દામાલ તરીકે દર્શાવ્યો ન હતો. સોલા પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી મુદામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like