થલતેજમાં દારૂની મહેફિલ માણતા પાંચની ધરપકડ

અમદાવાદ: શહેરના થલતેજ વિસ્તારમાં રાત્રીના સમયે દારૂની મહેફિલ માણતા પાંચ શખસની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે. ભાડે મકાનમાં રહેતા યુવકે તેના મિત્રો સાથે મળી દારૂની મહેફિલ માણતાં પોલીસ ત્રાટકી હતી. પોલીસે પાંચેય શખસની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વસ્ત્રાપુર પોલીસને બાતમી મળી હતી કે થલતેજ લક્ષ્મીમાતાનાં મંદિર નજીક આવેલા ક્રિષ્ણા કોમ્પ્લેકસમાં ચોથા માળે ભાડુઆત ચારથી પાંચ શખસ દારૂની મહેફિલ માણે છે. જેના આધારે પોલીસે ફલેટ નં.૭માં દરોડો પાડી વિનીત વૈભવભાઇ ગુપ્તા (રહે. સ્વામી વિવેકાનંદ કોલોની, જોધપુર), શંભુ રામલાલ મૌર્ય (રહે. મધુવન રેસિડન્સી, મોરૈયા), વિશ્વજિતસિંગ સત્યદેવસિંગ (રહે. ક્રિષ્ના કોમ્પ્લેકસ, થલતેજ), સિદ્ધાર્થ બિપીનચંદ્ર શર્મા (રહે. સ્વામી વિવેકાનંદ કોલોની, જોધપુર) અને અતુલકુમાર મીણા (રહે. વિશ્વકર્મા સોસાયટી, જોધપુર ચાર રસ્તા)ને દારૂ પીધેલી હાલતમાં ઝડપી લીધા હતા.

આરોપી શંભુુલાલ મૌર્ય અને વિશ્વજિતસિંગ મૌર્ય પાસે દારૂની પરમિટ હતી પરંતુ રિન્યુ કરાવેલ ન હતી. આરોપીઓ દારૂ પી, બૂમ બરાડા કરતા હતા. તેમ પોલીસે જણાવ્યું હતું. પોલીસે તમામની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like