થલતેજ, બોડકદેવમાં ટોકન સફાઈ કરી શાસકોઅે ફોટા ખેંચાવ્યા

અમદાવાદ: ‘સ્વચ્છ ભારત’ના પ્રણેતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના તા.૧૭ સપ્ટેમ્બરના જન્મ દિવસ નિમિત્તે ગુજરાત આવી રહ્યા હોઇ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વડા પ્રધાનના ‘સ્વચ્છ ભારત’નું સપનું સાકાર કરવા હાથ ધરાયેલી સફાઇ ઝુંબેશમાં હાલમાં શહેરના સૌથી વધુુ ગંદા એવા વેજલપુર, જોધપુર, સરખેજ અને મકતમપુરા વોર્ડનો સમાવેશ કરાયો નથી. આને કારણે ચણભણાટ વધતાં તંત્રે એવી ચોખવટ કરવાની ફરજ પડી છે કે આ માટે વોર્ડના રસ્તાની સફાઇમાં પણ શાસક પક્ષના મહાનુભાવો જોડાશે.

હેલ્થ કમિટીના ચેરમેન દિનેશ દેસાઇ, ભાજપના નેતા બિપીન સિક્કા, એએમટીએસના ચેરમેન ચંદ્રપ્રકાશ દવે, અન્ય મ્ય્ુનિ. કમિટીઓના ચેરમેન રમેશ દેસાઇ, ભરત પટેલ, વલ્લભ પટેલ, કેટલાક સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્ય સુરેશ પટેલ અને મેયર ગૌતમ શાહ વગેરેએ ગઇ કાલે કોર્પોરેશનના એમના પસંદ કરાયેલા વોર્ડમાં એક અથવા બે રોડ પર સફાઇ ઝુંબેશ હાથ ધરી હતી. દિનેશ દેસાઇએ મંગલ વિહાર ચાર રસ્તાથી બીઆરટીએસ રોડ દાણીલીમડાના રસ્તા પર ઝાડું પકડીને ટોકન સફાઇ કરી હતી.

નવા પશ્ચિમ ઝોનના થલતેજ અને બોડકદેવ જેવા સલામત વોર્ડના શાસકોએ હાથમાં ઝાડું પકડીને રસ્તાની સાફ સફાઇ કર્યાનો સંતોષ લીધો હતો. થલતેજમાં સૂરધારા સર્કલ પાસેના સુદર્શન ટાવર પાસે ભાજપના દંડક લાલાભાઇ ઠાકોર અને બોડકદેવમાં મધર મિલ્ક ચાર રસ્તાથી પ્રિયદર્શિની થઇ જૈન દેરાસર સુધીના ચાર રસ્તા પર સ્કૂલ બોર્ડના ચેરમેન પંકજસિંહ ચૌહાણે ઝાડું પકડયું હતું, પરંતુ વેજલપુર, જોધપુર, સરખેજ અને મકતમપુરામાં જવાની હજુ સુધી કોઇએ હિંમત દાખવી નથી.

“આ ચારેય વોર્ડમાં પણ રસ્તાની સફાઇ ઝુંબેશ હાથ ધરાશે. દરમિયાન સત્તાધીશોએ આંદોલનકારી રોજિંદા કર્મચારીઓને આજે ત્રણ દિવસમાં હાજર થવાનું અલ્ટિમેટમ આપ્યું છે.” જીપીએમસી એકટની કલમ ૬૧ અને ૬રનો ઉલ્લેખ કરીને અપાયેલી જાહેર નોટિસ સામે રણનીતિ ઘડી કાઢવા ગુજરાત મજદૂર સભાએ બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો છે.

You might also like