દક્ષિણેશ્વરના ઠાકુર શ્રી રામકૃષ્ણ પરમહંસ

સ્વામી વિવેકાનંદ તરીકે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પામનારા નરેન્દ્રના ગુરુ દક્ષિણેશ્વરના ઠાકુર શ્રી રામકૃષ્ણ પરમહંસ ભારત દેશના મહાન સંત અને વિચારક હતા. એમણે બધા ધર્મોની એકતા પર વિશેષ જોર આપ્યું હતું. એમને બાળપણથી જ વિશ્વાસ હતો કે ઇશ્વરનો સાક્ષાત્કાર(દર્શન) થઇ શકે છે. આમ, ઇશ્વરની પ્રાપ્તિ માટે એમણે કઠોર સાધના અને ભક્તિમાં જીવન વિતાવ્યું. રામકૃષ્ણ પરમહંસ માનવતાના પુજારી હતા. સાધનાના ફલસ્વરૂપે તેઓ એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે સંસારના બધા જ ધર્મો સાચા છે અને એમાં કોઇ ભિન્નતા નથી. ધર્મ એ ઇશ્વર સુધી પહોંચવાના અલગ અલગ રસ્તાઓ છે.

રામકૃષ્ણ પરમહંસનો જન્મ ફેબ્રુઆરી ૧૮, ૧૮૩૬ના દિને બંગાળ પ્રાંત સ્થિત કામારપુકુર ગામમાં થયો હતો. એમનું બાળપણનું નામ ગદાધર હતું. એમની બાળસહજ સરળતા અને મંત્રમુગ્ધ કરી દેતું સ્મિત જોઇ કોઇપણ વ્યક્તિ સંમોહિત થઇ જતી હતી. સાત વર્ષની નાની વયમાં જ ગદાધરના શિરેથી પિતાનું છત્ર હટી ગયું હતું.

આવી વિપરીત પરિસ્થિતિમાં આખા પરિવારનું ભરણપોષણ કપરું થતું ચાલ્યું. આર્થિક કઠિનાઇઓ પણ આવી, છતાં બાળક ગદાધરનું સાહસ ઓછું ન થયું. એમના મોટાભાઈ રામકુમાર ચટ્ટોપાધ્યાય કલકત્તા (કોલકાતા)માં એક પાઠશાળાના સંચાલક હતા. તેઓ ગદાધરને પોતાની સાથે કોલકાતા લઇ ગયા. રામકૃષ્ણનું આંતરમન અત્યંત નિર્મળ, છલના વગરનું અને વિનયશીલ હતું. સંકીર્ણતાઓથી તેઓ જોજનો દૂર હતા. પોતાનાં કાર્યોમાં જ રચ્યાપચ્યા રહેતા હતા.

સતત પ્રયત્નો કરવા છતાં પણ રામકૃષ્ણનું મન અભ્યાસમાં લાગી શક્યું નહીં. કોલકાતા નજીક દક્ષિણેશ્વર સ્થિત કાલીમાતાના મંદિરના અગ્રણી રામકુમારે એમને પુરોહિત તરીકેની જવાબદારી સોંપી, પણ એ કાર્યમાં પણ એમનો જીવ લાગ્યો નહીં. સમય આગળ જતાં એમના મોટાભાઈ પણ દુનિયા છોડી ચાલ્યા ગયા. અંતરમાંથી ઇચ્છા ન હોવા છતાં રામકૃષ્ણજી મંદિરની પૂજા તેમ જ અર્ચના કરવા લાગ્યા હતા. આમ રામકૃષ્ણજી કાલીમાતાના આરાધક બની ગયા.

વીસ વરસની ઉંમરે અવિરત સાધના કરતાં કરતાં માતાની કૃપાથી એમને પરમ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું. એમના પ્રિય શિષ્ય વિવેકાનંદજીએ એક વાર એમને પૂછ્યું – મહાશય! શું આપે ઇશ્વરને જોયા છે? મહાન સાધક રામકૃષ્ણે જવાબ આપ્યો – હા, જોયા છે, જે રીતે તમને જોઇ રહ્યો છું, ઠીક એ જ રીતે નહીં પણ એનાથી ક્યાંય વધુ સ્પષ્ટતાથી. તેઓ સ્વયંની અનુભૂતિથી ઇશ્વરના અસ્તિત્વનો વિશ્વાસ કરાવતા હતા. આધ્યાત્મિક સત્ય, જ્ઞાનના પ્રખર તેજ વડે રામકૃષ્ણ પરમહંસજી ભક્તિ જ્ઞાનના પથ-પ્રદર્શક બન્યા હતા. કાલી માતાની ભક્તિમાં તરબોળ થઈ તેઓ ભક્તોને માનવતાનો પાઠ ભણાવતા હતા.•

You might also like