ઠાકોર સેનાના લીગલ કન્વીનરને અલ્ટિમેટમનો અધિકાર નથી

રાજ્યમાં લોકસભા ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેેવા સમયે કોંગ્રેસ સમર્થિત ઠાકોર સેનામાં ઘમસાણ મચ્યું છે. ઠાકોર સેનાના પ્રમુખ અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

દરમિયાન ગઇ કાલે મોડી રાતે ઠાકોર સેેનાની કોર કમિટીની બેઠકમાં લીગલ કન્વીનર દ્વારા અલ્પેશ ઠાકોર, ભરત ઠાકોર અને ધવલસિંહ ઝાલાને કાં તો કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચાલુ રહો અથવા ઠાકોર સેનામાંથી હોદ્દો છોડો તેવું અલ્ટિમેટમ અપાતાં ઠાકોર સેનામાં ઉગ્ર વિવાદ છેડાયો છે. બહુચરાજીના ધારાસભ્ય ભરત ઠાકોરે આ અલ્ટિમેટમને પડકારતાં કહ્યું છે કે અમે ધારાસભ્ય હોઇ આ પ્રકારનું અલ્ટિમેટમ આપવાનો લીગલ કન્વીનરને કોઇ અધિકાર નથી.

ઠાકોર સેનાએ ગઇ કાલે મોડી રાતે ઉપપ્રમુખ જગતસિંહના મહંમદપુરા ખાતેના નિવાસસ્થાને કોર કમિટીની બેઠક બોલાવી હતી, જેમાં અલ્પેશ ઠાકોર ઉપસ્થિત હતા. અલ્પેશ ઠાકોર કોંગ્રેસ હાઇકમાન્ડથી નારાજ હોઇ તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે તેવી વહેતી થયેલી અટકળો વચ્ચે કોર કમિટીની આ બેઠક રાજકીય વર્તુળોમાં ચર્ચાસ્પદ બની હતી.

આ અંગે અલ્પેશ ઠાકોરનો મોબાઇલ સ્વિચ ઓફ હોવાથી તેમનો સંપર્ક થઇ શકયો નથી, પરંતુ ભરત ઠાકોરે ઠાકોર સેનાના લીગલ કન્વીનર મનોજ ઠાકોરના અલ્ટિમેટમને પડકાર ફેંક્યો છે. તેઓ કહે છે, અમે ધારાસભ્ય હોઇ લીગલ કન્વીનર અમને અલ્ટિમેટમ આપી જ ન શકે.

તેમણે કહ્યું કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય તેવી ચર્ચામાં પણ કોઇ તથ્ય નથી. જ્યારે ધવલસિંહ ઝાલા કહે છે કે ઠાકોર સેનાને લગતો કોઇ પણ અભિપ્રાય અલ્પેશ ઠાકોર જ આપી શકે છે અને અલ્પેશ ભાજપમાં જોડાય તેવી ચર્ચામાં કોઇ વજૂદ નથી.

You might also like