થાઈલેન્ડનાં પૂર્વ વડાં પ્રધાન ઈંગલક શિનાવાત્રા ફરાર

બેંગકોક: થાઈલેન્ડના પૂર્વ વડા પ્રધાન ઈંગલક શિનાવાત્રા (ઉ.વ.પ૦) એકાએક તેમના દેશમાંથી ગાયબ થઈ જતાં ભારે ચકચાર મચી છે. આ અંગે એવું કહેવાય છે કે દેશમાં સસ્તા દરે ચોખા આપવાની યોજનામાં અબજો ડોલરના કૌભાંડમાં સામેલ થવાના મામલે સુપ્રીમ કોર્ટનો આદેશ આવ્યા પહેલાં જ તેઓ ગાયબ થઈ જતાં વિવાદ ઊભો થયો છે.

શિનાવાત્રાને ર૦૧૪માં સત્તાના દુરુપયોગ બદલ દોષિત ઠરાવવામાં આવ્યા બાદ તેમને વડા પ્રધાનપદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. તેમની પાર્ટી અને પરિવારના લોકોએ શિનાવાત્રા દેશ છોડીને ચાલ્યા ગચા હોવાની આશંકા વ્યકત કરી છે. બીજી તરફ સસ્તા દરના ચોખા કૌભાંડમાં શિનાવાત્રા કોર્ટની સુનાવણીમાં હાજર રહ્યા ન હતા. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે પૂર્વ વડા પ્રધાનની ધરપકડનું વોરંટ જારી કર્યું હતું. કોર્ટે એવી દલીલ કરી હતી કે શિનાવાત્રાએ કાનમાં દર્દ હોવાનું બહાનું રજૂ કરી કોર્ટમાં હાજરી આપી નથી તે અયોગ્ય છે.

પોલીસ જ્યારે વોરંટ સાથે તેમના નિવાસે ગઈ હતી ત્યારે તેઓ હાજર ન હતા. આ દરમિયાન નાયબ વડા પ્રધાન પ્રાવિત વોંગસુવાને પણ શિનાવાત્રા ગાયબ થયાની આશંકા વ્યકત કરી હતી ત્યારે હવે તેઓ ગાયબ જ માનવામાં આવે છે. તેથી હવે આ મામલે આગામી દિવસોમાં નવા ફણગા ફૂટે તેવી શક્યતા જણાઈ રહી છે.

You might also like