થાઇલેન્ડમાં આખરી રેસ્કયુ ઓપરેશન શરૂઃ એલન મસ્ક મિની સબમરિન સાથે પહોંચ્યા

બેંગકોક: થાઇલેન્ડની થેમ લુઆંગ ગુફામાં ફસાયેલા ૧રમાંથી આઠ બાળકોને સુર‌િક્ષત બહાર કાઢવામાં આવ્યાં છે, પરંતુ હજુ સુધી કોચ સહિત પાંચ બાળકો ગુફામાં ચાર કિ.મી. અંદર ફસાયેલાં છે. તેમને બહાર કાઢવા માટે આજે આખરી મિશન શરૂ થઇ ગયું છે.

આ બાળકોને બહાર કાઢવા માટે અમેરિકન સ્પેસ એન્ટરપ્રિન્યોર એલન મસ્ક આગળ આવ્યા છે. સ્પેસ એકસના સીઇઓ અને ટેસ્લાકારના કો.ફાઉન્ડર એલન મસ્કે બાળકોનાં રેસ્કયુ ઓપરેશન માટે મિની સબમરિન જેને બેબી સબમરિન પણ કહેવાય છે તે મોકલી છે. એલન મસ્ક સ્વયં રેસ્કયુ માટે થાઇલેન્ડ પહોંચી ગયા છે.

તેમણે સ્વયં ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપતાં જણાવ્યું હતું કે તેઓ પ્રોટોટાઇપ મિની સબમરિન સાથે થાઇલેન્ડમાં છે. હજુ હું ગુફા-૩માંથી પરત આવ્યો છું. મિની સબમરિન તૈયાર છે. જરૂર પડેે તેનો ઉપયોગ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ર૩ જૂને અન્ડર-૧૬ ફૂટબોલ ટીમના ૧ર ખેલાડીઓ પોતાના કોચ સાથે થેમ લુઆંગ ગુફામાં ફરવા ગયા હતા અને અચાનક જોરદાર વરસાદ શરૂ થઇ જતાં ગુફામાં પાણી ભરાઇ જતાં બહાર નીકળવાનો રસ્તો બ્લોક થઇ જતાં કોચ સહિત ૧ર બાળકો ફસાઇ ગયાં હતાં.

બચાવ મિશનના વડા નારોંગશક ઓસોતોકોર્ને જણાવ્યું હતું કે આજનું આખરી મિશન પાર પાડવા માટે ઓછામાં અોછા ર૦ કલાકનો સમય જોઇશે. જોકે ખરાબ મોસમ અને પાણીના સ્તરને કારણે વધુ સમય પણ લાગી શકે છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે જે બાળકોને બચાવી લેવામાં આવ્યાંં છે તેઓ હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે અને તેમને તેમનાં માતા-પિતાથી દૂર રાખવામાં આવશે. કારણ કે ડોકટરોના મતે તેમને હજુ ઇન્ફેકશનનું જોખમ છે.

You might also like