કાચામાલની પડતર કિંમત વધતાં કાપડ બજાર ફરી વખત મુશ્કેલીમાં

અમદાવાદ: મોટા ભાગના કાચા માલની પડતરમાં વધારો થતાં કાપડ બજાર ફરી આર્થિક મુશ્કેલીમાં સપડાતું જોવા મળી રહ્યું છે. છેલ્લા એક મહિનામાં પોલિયેસ્ટર દોરાની કિંમતમાં છથી આઠ ટકાનો વધારો થતાં તથા ત્રણ મહિનામાં ૧૫થી ૨૦ ટકા કિંમત વધી ગઇ છે. એટલું જ નહીં લેબર કોન્ટ્રાક્ટ મોંઘા થતા કાપડની કિંમતમાં વધારો નોંધાયો છે તો બીજી બાજુ નવી માગના અભાવે કાપડના મેન્યુફેક્ચરર્સ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.

ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી બાદ કાપડની પડતરમાં ૨૫થી ૩૦ ટકાનો વધારો નોંધાતો જોવા મળ્યો છે. નવેમ્બર-૨૦૧૬માં નોટબંધી બાદ કાપડ બજારના રોકડ પરનો વ્યવહાર અટવાતાં કાપડ બજાર મુશ્કેલીમાં મુકાયું હતું, જ્યારે પાછલા વર્ષે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાદતાં કાચા ચિઠ્ઠા પરનો વ્યવહાર લગભગ બંધ થઇ ગયો હતો. ૧ એપ્રિલથી ઇ-વે બિલ લાગુ કરાતાં કાપડ બજારમાં વધુ અસર પડી હતી.

પોલિયેસ્ટર દોરાની કિંમતમાં વધારો થવાની સાથેસાથે વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં વધારો થતાં કેમિકલ સહિત કાપડના કલરના ભાવમાં પણ પાંચથી સાત ટકાનો વધારો નોંધાયો છે.

કાપડ બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે જીએસટી લાગુ કરાયા બાદ કાપડના મેન્યુફેક્ચરમાં મોટો ઘટાડો થતો જોવા મળ્યો છે. અધૂરામાં પોલિયેસ્ટર દોરાની કિંમતમાં છેલ્લા પાંચ મહિનામાં ૨૦થી ૩૦ ટકાનો વધારો ઝીંકાતા કાપડની પડતર ઊંચી આવી છે અને તેના કારણે માગ પર પણ અસર જોવા મળી છે.

વેપારીઓના જણાવ્યા પ્રમાણે દિવાળીના ઓર્ડરનું બુકિંગ આ સમયગાળામાં થતું હોય છે, પરંતુ શરૂઆતનો ટ્રેન્ડ જોતાં હાલ નવી માગનો અભાવ જોવા મળી રહ્યો છે.  આ અંગે ન્યૂ ક્લોથ માર્કેટ મહાજનના પ્રેસિડેન્ટ ગૌરાંગ ભગતના જણાવ્યા પ્રમાણે કાપડ બજાર હાલ ભારે આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યું છે.

ક્રૂડના ભાવમાં વધારો તથા પોલિયેસ્ટર દોરાની કિંમતમાં જોવા મળી રહેલા વધારાના કારણે કાપડની પડતર ઊંચી આવી છે અને તેના કારણે નવી માગના અભાવ વચ્ચે તથા જીએસટી બાદ પેમેન્ટ સાઇકલ તૂટતાં તેની અસર કાપડ બજાર પર જોવા મળી રહી છે.

You might also like