ટેક્સટાઈલ અને કેમિકલ સેક્ટરમાં ટેક્સ રેટ ૧૮ ટકાથી નીચા રાખવા ભલામણ

અમદાવાદ: જીએસટી કાઉન્સિલ વિવિધ કોમોડિટી ઉપર રેટના માળખાને અંતિમ રૂપ આપી રહી છે. કાઉન્સિલે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પર ઝીરો ટકા ટેક્સ રેટની સાથે અન્ય કોમોડિટી ઉપર પાંચ ટકા, ૧૨ ટકા, ૧૮ ટકા અને ૨૮ ટકા એમ પાંચ સ્લેબમાં ટેક્સ લાદવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ટેક્સના રેટને લઇને રાજ્યના વેપારીઓનો વિરોધ સરકારને નડે નહીં તે રીતે રેટ નક્કી કરવાની તૈયારીઓ જીએસટી કાઉન્સિલ દ્વારા થઇ રહી છે. ટેક્સટાઇલ અને કેમિકલ સેક્ટરે ૧૮ ટકાથી નીચા રેટ લાદવાની ભલામણ કરી છે.

ઉલ્લેખનીય છે કે અંદરખાને જીએસટી કાઉન્સિલને રાજ્યના વિવિધ વેપારી એસોસિયેશનો ટેક્સના રેટ નીચા લાવવાની જોરદાર રજૂઆત કરી રહ્યાં છે. રેડીમેડ ગાર્મેન્ટ એસોસિયેશ, ટેક્સટાઇલ એસોસિયેશન, કેમિકલ એસોસિયેશન, નાના અને મધ્યમ કદના મેન્યુફેક્ચરિંગ એકમોનું એસોસિયેશન ટ્રેડર્સ એસોસિયેશને વિવિધ કોમોડિટીના રેટ હાલ જે જોવા મળી રહ્યા છે તેના કરતા નીચા રાખવાની ભલામણ કાઉન્સિલને કરી છે.

દરમિયાન સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ રાજ્યના કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓ જીએસટી કાઉન્સિલની કમિટીમાં છે ત્યારે આ રેટ કયા દરે નક્કી થશે તે મહત્ત્વનું બની શકે છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ આગામી દિવસોમાં રાજ્યની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે સ્થાનિક વેપારીઓનો રેટ સંબંધી કોઇ વિરોધનો સામનો ન કરવો પડે તે રીતે બેલેન્સ રેટનું માળખું બનાવવા જીએસટી કાઉન્સિલ અંદરખાને તૈયારીઓ કરી રહી છે. ખાસ કરીને ટેક્સટાઇલ અને કેમિકલ સેક્ટરમાં હાલ જે ટેક્સ માળખું છે તેના કરતા જીએસટીના નવા માળખામાં નીચા રેટ લદાય તેવી અંદરખાનેથી તૈયારી કરી દીધી છે.
http://sambhaavnews.com/

You might also like