એક કરોડથી વધુ રકમના ટેક્સ ડિફોલ્ટર્સની યાદી સરકાર બહાર પાડશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર એક કરોડથી વધુ રકમ બાકી હોય તેવા ટેક્સ ડિફોલ્ટરનું લિસ્ટ જાહેર કરવાનો ગંભીરતાથી વિચાર કરી રહી છે. અત્યાર સુધી સરકાર માત્ર પાંચ કરોડ રૂપિયાથી ઉપરનાે ટેક્સ બાકી હોય તેવા ડિફોલ્ટર્સનાં નામ જાહેર કરતી હતી. નાણાં રાજ્યપ્રધાન જયંત સિંહાએ લેખિતમાં આ અંગેની જાણકારી લોકસભામાં આપી હતી.

સિંહાએ વધુમાં કહ્યું છે કે સરકાર પાસે આ પ્રકારનો પ્રસ્તાવ પહેલેથી જ છે. સરકારે એવા ૧૮ ડિફોલ્ટર્સનાં નામ જાહેર કર્યાં છે કે જેમના ઉપર રૂ. ૧,૧૫૨.૫૨ કરોડથી વધુ રકમના ટેક્સ બાકી છે. આ ૧૮ નામની યાદીમાં કેટલીક કંપનીઓ પણ સામેલ છે. સ્વર્ગીય ઉદય એમ. આચાર્યના સૌથી વધુ રૂ. ૭૭૯.૦૪ કરોડ બાકી છે, જ્યારે નેક્સસોફ્ટ ઇન્ફોટેલ લિમિટેડના રૂ. ૬૮.૨૧ કરોડ, લિવરપુલ રિટેલ ઇન્ડિયા લિમિટેડના રૂ. ૩૨.૧૬ કરોડ, જ્યારે જશુભાઇ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડના રૂ. ૩૨.૧૨ કરોડ બાકી છે.
આ સિવાય પ્રફુલ્લ અખાની પર રૂ. ૨૯.૧૧ કરોડ, સાક્ષી એક્સપોર્ટ પર ૨૬.૭૬ કરોડ, હેમંગ શાહ પર ૨૨.૫૧ કરોડ, હાજી ઇલિયાસ યુસુફ મોટરવાલા પર રૂ. ૨૨.૩૪ કરોડ, ધર્મેન્દ્ર ઓવરસીઝ લિ. પર રૂ. ૧૯.૮૭ કરોડ અને જગહિત એક્સપોર્ટ પર ૧૮.૪૫ કરોડ રૂપિયાના ટેક્સ બાકી છે. આ તમામ ઉપર બાકી ટેક્સ વસૂલવા સરકારે કડક પગલાં લેવાના શરૂ કરી દીધા છે.

You might also like