અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગઃ વિદ્યાર્થિનીનું મોતઃ બે ઘાયલ

ટેકસાસ: અમેરિકાના પશ્ચિમ ટેકસાસમાં એક સ્કૂલમાં ફાયરિંગની ઘટનાના સમાચાર મળી રહ્યા છે. ટીવી અહેવાલો અનુસાર પશ્ચિમ ટેક્સાસના અલ્પાઈન શહેરની એક હાઈસ્કૂલમાં ફાયરિંગની ઘટના ઘટી છે. આ ફાયરિંગમાં એક વિદ્યાર્થિનીનું મોત થયું છે અને બે ઘાયલ થયા છે.

અલ્પાઈન હાઈસ્કૂલમાં ગોળીબારની ઘટના અંગે અત્યાર સુધી મળેલી જાણકારી અનુસાર એક વિદ્યાર્થિનીએ બીજી વિદ્યાર્થિનીને સ્કૂલના બાથરૂમમાં ગોળી મારી દીધી હતી, જોકે ઘટના પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી કે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન પણ કરવામાં આવ્યું નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે અલ્પાઈન હાઈસ્કૂલમાં અંદાજે ૨૮૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ફાયરિંગની આ ઘટના બાદ શાળાની ઈમારત ખાલી કરાવવામાં આવી હતી અને શાળાને બંધ કરી દેવામાં આવી હતી. અહેવાલો અનુસાર વિદ્યાર્થીઓને ફાયરિંગના બેથી ત્રણ અવાજ સંભળાયા હતા. આ ઘટના બાદ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને તપાસ કરી રહી છે.

અેક અહેવાલ અનુસાર અલ્પાઈન શહેરની આ હાઈસ્કૂલમાં એક વિદ્યાર્થિનીએ પોતાના પર જ ફાયરિંગ કરતાં તે મૃત્યુ પામી હતી અને બીજી એક વિદ્યાર્થિની ઘાયલ થઈ હતી. બ્રેવસ્ટર કાઉન્ટીના શેરીફ રોની ડોડ્સને રેડિયો સ્ટેશન કેવીએલએફને જણાવ્યું હતું કે વિદ્યાર્થિનીએ સ્વયં પોતાના પર ગોળી ચલાવીને આત્મહત્યા કરી છે.

You might also like