અનંતનાગમાં ચાર આતંકવાદી ઘેરાયાઃ સુરક્ષા દળોએ બ્લાસ્ટ કરી ઘર ઉડાવ્યું

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આજે સવારે સુરક્ષા દળોએ લશ્કર-એ-તોઈબાના એક ટોચના આતંકી સહિત ચાર આતંકીને ઘેરી લેતાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઇ ગઇ છે અને આ લખાઇ રહ્યું છે ત્યારે પણ સામસામે ફાયરિંગ ચાલુ છે. સુરક્ષા દળોએ જે ઘરમાં આતંકીઓ છુપાયા છે તે ઘરને વિસ્ફોટ કરીને ઉડાવી દીધું છે, જોકે લશ્કર-એ-તોઈબાનો ટોચનો આતંકી બશીર પોતાના બે સાથીઓ સાથે બચીને ભાગી જવામાં સફળ રહ્યો હતો. ક્રોસ ફાયરિંગમાં એક મહિલાનું મોત થયું છે અને બે ઘાયલ થયા છે. આ ઉપરાંત શોપિયાના દસ ગામોમાં સર્ચ ઓપરેશન જારી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર અનંતનાગમાં સુરક્ષા દળોએ ઇનપુુટના આધારે બે આતંકીઓને ઘેરી લીધા છે. એસએચઓ ફિરોઝ દારની શહીદી માટે જવાબદાર લશ્કર-એ-તોઇબાનો કમાન્ડર આતંકી બશીર લશ્કરી છુપાયો હોવાની આશંકા છે અને જેના આધારે તેને ઘેરી લેવામાં આવ્યો છે. ત્યારબાદ થયેલી અથડામણ અને ક્રોસ ફાયરિંગમાં તાહીરા નામની એક મહિલાનું પણ મોત થયું છે.

ભારતીય સેનાને એવા ઇનપુટ મળ્યા હતા કે જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના દેલગામમાં બેથી ત્રણ ખૂંખાર આતંકીઓ છુપાયેલા છે. ત્યારબાદ નવ રાષ્ટ્રીય રાઇફલ્સ અને અનંગનાગ પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ ઓપરેશન શરૂ કરતાં આતંકીઓએ તાત્કાલિક ફાયરિંગ શરૂ કરી દીધું હતું, જેમાં એક મહિલાનું મોત થયું હતું. છુપાયેલા આ આતંકીઓમાં ગયા મહિને એસએચઓ ફિરોઝ દાર સહિત છ પોલીસકર્મીઓની હત્યા માટે જવાબદાર લશ્કર-એ-તોઈબાનો ટોચનો આતંકી બશીરનો પણ સમાવેશ થાય છે.

સુરક્ષા દળોને શક છે કે તેમણે જે ઘરને ઘેરાવ કર્યો છે તેની બહાર પણ ત્રણ વધુ આતંકીઓ છુપાયેલા છે. તેથી ભારતીય સેનાએ સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આજે સવારે ૪-૦૦ વાગ્યે સુુરક્ષા દળોએ અનંતનાગ જિલ્લાના બેઠી દેલગામમાં સર્ચ ઓપરેશન શરૂ કરતાં સ્થાનિક મસ્જિદો પરથી સુરક્ષા દળો વિરુદ્ધ જાહેરાતો થતાં મોટી સંખ્યામાં જેહાદી સૂત્રો પોકારતા લોકો અથડામણના સ્થળે એકત્રિત થવા લાગ્યા હતા અને ઘેરાબંધી તોડવા માટે સુરક્ષા દળો પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. અત્યારે પણ આ લખાઇ રહ્યું છે ત્યારે અથડામણ જારી છે.
http://sambhaavnews.com/

You might also like