આતંકી વસીમ અને નઇમે ગુનો કબૂલ્યો, 10 માર્ચ સુધી રિમાન્ડ મંજૂર

રાજકોટ: શનિવારની મધરાતે બે આતંકીઓની ભાવનગર અને રાજકોટમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આઈએસના આ બંને આતંકી ભાઈઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં આરોપીઓએ જજ સાહેબ સામે કબલ્યું હતું કે, હા અમે બોમ્બ બનાવવાના હતા.

આરોપીઓ તરફથી કોઇ વકીલ ન હોવાથી આરોપીઓએ દલિલ કરતા જજ સાહેબ સમક્ષ કબૂલાત આપી હતી કે, હા અમે ઇન્ટરનેટના માધ્યમથી બોમ્બ બનાવવાનું શિખ્યા હતા. તેમજ બોમ્બ બનાવવાનું સાહિત્ય પણ ઇન્ટરનેટમાંથી મેળવતા હતા. શહેરમાં ભય ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો. ચોટીલા પણ જઈ આવ્યા હતા. બન્ને આરોપીઓના 10 માર્ચ સુધી એટલે કે 12 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

વસીમની પત્નીએ એવી પણ સૂચના આપી હતી કે બોમ્બ પ્લાન્ટ કરતી વખતે જો કોઇ વ્યક્તિ આડી આવે અથવા કોઇ પૂછપરછ કરે તો એવા વ્યક્તિઓના માથા ફોડી નાંખજે. આ વાત મોબાઇલ ફોનમાં રેકોર્ડ થઇ ગઇ હતી જે સાંભળીને એટીએસના અધિકારીઓ પણ ચોંકી ઊઠ્યા હતા. હાલમાં વસીમની પત્ની શાહજીનની અટકાયત કરવામાં આવી છે.

વર્ષ 2012થી અત્યાર સુધીમાં વસીમે આઈએસ સાથે કરેલા ચેટિંગ, ઈ મેલ અને ફેસબુક ચેટિંગની તમામ વિગતો એટીએસે મેળવી લીધી છે. બોંબકેવી રીતે બનાવો, સ્લિપર સેલ કેવી રીતે ઊભું કરવું, પોલીસની નજરથી કેવી રીતે બચવું તે સહિતની ટિપ્સ સિરિયામાં બેઠેલો આકા ઈ મેલ, ફેસબુક અને વોટ્સએપના માધ્યમથી માહિતી આપતો હતો.

ત્યારબાદ તેને કહેવામાં આવ્યું કે આ બધા માધ્યમોની જગ્યાએ નવું ટ્વિટર એકાઉન્ટ ખોલી નાખ. કારણ કે, ટ્વિટરના ચેટિંગની સુરક્ષા એજન્સીઓને જલ્દીથી જાણકારી નહીં મળે. આથી વસીમે બે વર્ષ પહેલા પોતાનું ટ્વિટર એકાઉન્ટ ખોલ્યું હતું અને તેના પરથી બોંબ કેવી રીતે બનાવો, તેનું ટેસ્ટિંગ ક્યાં અને કેવી રીતે કરવું તેની માહિતી મળ્યા બાદ તમામ ચીજવસ્તુઓ વસીમ ભેગી કરતો હતો.

visit: http://sambhaavnews.com/

You might also like