કાશ્મીરના પુંચમાં પાક. દળોનો મોર્ટારમારોઃ એક નાગરિક ઘાયલ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુંચ સેેકટરમાં પાકિસ્તાની દળોએ વધુ એક વાર યુદ્ધવિરામ ભંગ કર્યો છે. પાકિસ્તાની દળોએ શુક્રવારે રાત્રે ૧૧-૦૦ વાગ્યે મોર્ટારમારો શરૂ કર્યો હતો, જે આજે સવારે આ લખાઇ રહ્યું છે ત્યારે પણ ચાલુ જ છે. મોર્ટાર દ્વારા ફેંકવામાં આવેલા ગોળાથી એક નાગરિક ઘાયલ થયો છે. ભારતીય સેના પણ પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલ ગોળીબારનો સજ્જડ જવાબ આપી રહી છે.

આ અગાઉ જમ્મુ-કાશ્મીરના ભીમ્બર અને બટાલ સેકટરમાં ભારતીય સેનાએ પાકિસ્તાની દળોના ફાયરિંગનો જડબેસલાક જવાબ આપ્યો હતો. આ દરમિયાન પાકિસ્તાનના પાંચ સૈનિક માર્યા ગયા હતા અને છ ઘાયલ થયા હતા. આ સંદર્ભમાં પાકિસ્તાને એલઓસી પર ફાયરિંગના આક્ષેપમાં ભારતના ડેપ્યુટી હાઇ કમિશનર જે.પી. સિંહને સમન્સ પાઠવી બોલાવ્યા હતા.

પાકિસ્તાન તરફથી સવારે ૭-૩૦ કલાકે કાશ્મીરના નૌશેરા અને કૃષ્ણા ઘાટીમાં મોર્ટાર ઝીંકવામાં આવ્યા હતા. એ જ રીતે રાજૌરી અને પુંચમાં પણ મોર્ટારથી હુમલો કરવામાં આવ્યો હતો. સરહદી ચોકીઓ અને રહેણાક વિસ્તારને નિશાન બનાવીને પાકિસ્તાને પુંચના મનકોટ અને રાજોરીના નૌશેરા સેકટરમાં ૧ર૦ એમએમ અને ૮ર એમએમના મોર્ટાર ઝીંકવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ફાયરિંગના કારણે દહેશત અને ભયનો માહોલ છવાઇ ગયો હતો.

ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર પાકિસ્તાને ર૦૧પ અને ર૦૧૬માં લગભગ રોજ યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. આ બે વર્ષમાં પાક. દ્વારા યુદ્ધવિરામ ભંગને કારણે ભારતના ર૩ જવાન શહીદ થયા છે એવું એક આરટીઆઇ અરજીના સંદર્ભમાં ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું.

http://sambhaavnews.com/

You might also like