કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષા દળો પર આતંકવાદી હુમલોઃ ત્રણ જવાન શહીદ

શ્રીનગર: દક્ષિણ કાશ્મીરના શોપિયાંમાં આજે વહેલી સવારે પેટ્રોલિંગ કરી રહેલા સુરક્ષા દળોની ટીમ પર આતંકવાદીઓએ કરેલા હુમલામાં ત્રણ જવાનો શહીદ થયા છે અને પાંચ ઘાયલ થયા છે. સાથે જ ફાયરિંગમાં એક સ્થાનિક મહિલાનું પણ મોત થયું છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર સુરક્ષા દળોનો કાફલો આતંકવાદીઓ વિરુદ્ધ એક ઓપરેશન હાથ ધરીને પરત ફરી રહ્યો હતો ત્યારે રાત્રે ૨.૩૦ કલાકની આસપાસ ભારે શસ્ત્રોથી સજ્જ આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ ફાયરિંગમાં સુરક્ષા દળોના ત્રણ જવાનો શહીદ થયા હતા. ત્યાર બાદ સેનાએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, પરંતુ આતંકવાદીઓ અંધારાનો લાભ ઉઠાવીને ફરાર થઈ ગયા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર સ્થાનિક વયોવૃદ્ધ મહિલા જાના બગાનની ઘરની અંદર જ ગોળી વાગવાથી મોત થયું હતું. આ હુમલામાં એક જવાન ઘટના સ્થળે જ શહીદ થયો હતો. ઘાયલ થયેલા કેટલાક જવાનોની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે અને તેથી મૃત્યુ આંક વધવાની દહેશત છે. જમ્મુ-કાશ્મીરમાં ત્રણ અઠવાડિયામાં આ ચોથી સૌથી મોટી ઘટના છે. જેમાં સેનાને પોતાના જવાન ગુમાવવા પડ્યા છે. આ અગાઉ મેજર સહિત છ જવાનો ત્રણ અલગ અલગ અથડામણોમાં શહીદ થયા હતા.

આજે વહેલી પરોઢિયે સુરક્ષા દળોની એક ટૂકડી શોપિયાંના કુંગુમાં સર્ચ ઓપરેશન બાદ પરત ફરી રહી હતી ત્યારે મૂલુ ચિત્રા ગામમાં આતંકીઓએ તેમના પર હુમલો કરીને ફાયરિંગ શરૂ કરી દેતા ત્રણ જવાનો શહીદ થયા હતા જ્યારે ઘાયલ થયેલા જવાનોમાં લશ્કરના બે અધિકારીઓનો પણ સમાવેશ થાય છે, જ્યારે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે સામસામા ગોળીબારમાં પોતાના ઘરમાં હાજર મહિલાનું પણ ગોળી વાગવાથી મોત થયું છે.

આ હુમલામાં ૪૪-આરઆર પેટ્રોલિંગ સ્ક્વોડના ત્રણ જવાન શહીદ થયા છે. શહીદ થયેલા જવાનમાં શ્રીજિત, વિકાસકુમાર અને ગુલામ મહંમદનો સમવેશ થાય છે. હુમલાે કરનાર આતંકવાદીઓ લશ્કર-એ-તોઈબા સાથે સંકળાયેલા હોવાનું માનવામાં આવે છે. ઘાયલ થયેલા જવાનોને શ્રીનગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સુરક્ષા દળોને એવી જાણકારી મળી હતી કે મૂલુ ચિત્રા ગામમાં પાંચથી સાત આતંકીઓ છુપાયા છે. આથી સુરક્ષા દળો સર્ચ ઓપરેશન હાથ ધરવા જેવા ગામમાં પ્રવેશ્યા કે પહેલી જ ટાંપીને બેઠેલા આતંકવાદીઓએ બંને બાજુથી ફાયરિંગ સાથે હુમલો કરી દીધો હતો. આતંકીઓએ જવાનો પર રાઇફલ ગ્રેનેડ અને યુબીજીએલ પણ તાક્યા હતા. અચાનક થયેલા આ હુમલામાં ત્રણ જવાન શહીદ થયા હતા.

 

http://sambhaavnews.com/

You might also like