ત્રાસવાદીઓ કાશ્મીરમાં ફરી આતંક મચાવવાની ફિરાકમાંઃ એલર્ટ જારી

શ્રીનગર:
ભારતીય સેનાના ઓપરેશન ઓલ આઉટથી ગભરાઈ ગયેલા આતંકવાદીઓ ફરી એક વાર કાશ્મીર ખીણમાં આતંક મચાવવાની ફિરાકમાં છે. જેમાં આતંકીઓ ગમે ત્યારે મોટો હુમલો કરે તેવી સંભાવનાને ધ્યાનમાં લઈને સેનાને એલર્ટ કરી દેવામા આવી છે.

દરમિયાન ગઈ કાલે પણ આતંકવાદીઓએ શોપિયામાં સીઆરપીએફના કેમ્પ પર હુમલો કર્યો હતો. જોકે તેમાં કોઈ સુરક્ષા કર્મચારીને ઈજા થઈ ન હતી. આતંકીઓને આ હુમલાનો સેનાએ વળતો જડબાંતોડ જવાબ આપ્યો હતો. બીજી તરફ પાકિસ્તાને ફરી સિઝ ફાયરનો ભંગ કરી પૂંચ સેકટરમાં એલઓસી પર ફાયરિંગ કર્યું હતું.

આમ પણ છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન સતત સિઝ ફાયરનો ભંગ કરી રહ્યું છે. અને તે સરહદ પર આ રીતે કવર ફાયરિંગ કરી આતંકીઓને ઘૂસણખોરી કરાવવાની કોશિશ કરી રહ્યું છે. આ અગાઉ પણ ગત ૩૧ િડસેમ્બરે પુલવામામાં પણ મોટો આતંકી હુમલો થયો હતો. જેમાં ફિદાયીન આતંકીઓએ અવંતીપુરાના લિથપોરામાં સીઆરપીએફ કેમ્પને નિશાન બનાવ્યો હતો. જેમાં પાંચ જવાન શહીદ થયા હતા. જોકે આ હુમલા બાદ ત્રણ આતંકીને ઠાર કરાયા હતા.

આ ઉપરાંત ગત છ જાન્યુઆરીએ બારામૂલાના સોપોરમાં બ્લાસ્ટમાં ચાર પોલીસ કર્મચારી શહીદ થયા હતા. આ બ્લાસ્ટ નાના અને મોટા બજાર વચ્ચે થયો હતો. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન જૈશ એ મહંમદે સ્વીકારી હતી. બીજી તરફ આતંકીઓનો સફાયો કરવા માટે સુરક્ષા દળ ઓપરેશન ઓલ આઉટ ચલાવી રહ્યું છે. વર્ષ ૨૦૧૭માં સુરક્ષા દળે ૨૦૬ આતંકીને ઠાર કર્યા હતા. આ ઉપરાંત આતંકી સંગઠનો સાથે જોડાઈ ચુકેલા ૭૫ યુવાનને પરત લાવવામાં સફળતા મળી છે.

You might also like