સાવધાન…આતંકીઓ હવે દુનિયાના અનેક દેશોને ઘમરોળી રહ્યા છે

તાજેતરમાં દુનિયાના જુદા જુદા ભાગોમાં ત્રાસવાદીઓ બોમ્બ વિસ્ફોટ કરી રહ્યા છે. સૌ પહેલાં તુર્કીની રાજધાની ઇસ્તંબૂલમાં પછી પાકિસ્તાનના કવેટામાં, ત્યારબાદ અફઘાનિસ્તાનના જલાલાબાદમાં અને ઇન્ડોનેશિયાની રાજધાની જાકાર્તામાં સતત શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો થયા હતા અને આ રીતે ત્રાસવાદીઓ સમગ્ર વિશ્વમાં આતંકની દહેશત ઊભી કરી રહ્યા છે.

આમ જોઇએ તો ડિસેમ્બરમાં ફ્રાન્સની રાજધાની પે‌િરસમાં વિસ્ફોટ કરવામાં આવ્યા હતા ત્યાર બાદ દુનિયાના ભારત સહિત કોઇ ને કોઇ દેશમાં આતંકીઓ બિનધાસ્ત વિસ્ફોટ કરી રહ્યા છે. મોટા ભાગના મામલામાં આતંકવાદી સંગઠન આઇએસઆઇએસનો હાથ છે અને તેમાં આત્મઘાતી વિસ્ફોટ સાથે ફાયરિંગ કરવાની રણનીતિ અપનાવવામાં આવી છે. કેટલાક મામલામાં બીજાં આતંકી સંગઠનોનું નામ ખૂલ્યું છે, જેમ કે કવેટામાં પાકિસ્તાની તહ‌ે‌િરક-એ-તા‌િલબાનનો હાથ છે અને પૂર્વીય તુર્કીમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટ પાછળ કૂર્દ વિદ્રોહીઓનો હાથ હોવાનું બહાર આવ્યું છે. એ જ રીતે જૈશ-એ-મહંમદે ભારતના પઠાણકોટ એરબેઝ પર હુમલો કરીને આતંક મચાવ્યો હતો, એમાંય ઇન્ડોનેશિયાની રાજધાની જાકાર્તામાં સિરિયલ બોમ્બ વિસ્ફોટની જવાબદારી સ્વીકારીને આઇએસઆઇએસએ પોતાનો ભૌગોલિક દાયરો એકાએક વધારી દીધો છે.

ફ્રાન્સમાં થયેલા ભીષણ હુમલા છતાં હજુ સુધી આ આતંકી સંગઠનને પશ્ચિમ એશિયા અને ઉત્તર આફ્રિકાના કેટલાક દેશો સુધી સીમિત માનવામાં આવતું હતું. ઇન્ડોનેશિયન પોલીસને અગાઉથી એવી માહિતી હતી કે તેના ૧૦૦ જેટલા નાગરિકો આઇએસમાં જોડાઇ ગયા છે અને દેશમાં ૧,૦૦૦ જેટલા લોકો આઇએસના સમર્થક છે. આઇએસએ જાકાર્તામાં સાત સ્થળોએ સાત વિસ્ફોટ કરીને તેનો પરિચય આપી દીધો છે.

ઈન્ડોનેશિયાના પાટનગર જાકાર્તામાં પેરિસ જેવા જ સિરિયલ બ્લાસ્ટ અને ફાયરિંગ થતાં ઈન્ડોનેશિયા ધણધણી ઊઠ્યું હતું. આતંકવાદીઓઅે વારાફરતી સાત બ્લાસ્ટ કર્યા હતા, તેમાં વિદેશીઓને બંધક બનાવવા પ્રયાસ થયો હતો. પાંચ કલાક ચાલેલા આ હુમલામાં અેક કેનેડિયન નાગરિક સહિત બે વ્યકિતનાં મોત થયાં હતાં તેમજ અન્ય ૨૦ને ઈજા થઈ હતી, જેમાં ચાર વિદેશીઓનો સમાવેશ થાય છે. આ ઘટનામાં ત્રણ શકમંદની ધરપકડ કરવામાં આવી છે.

આ હુમલામાં બે હુમલાખોરો જાતે જ મરી ગયા હતા જ્યારે ત્રણ ફાયરિંગ કરતાં માર્યા ગયા હતા તેમજ અન્ય બેને પોલીસે પકડી પાડ્યા હતા. આઈઅેસએ આ હુમલાની જવાબદારી લેતાં જણાવ્યું હતું કે તેઓના નિશાન પર વિદેશી નાગરિકો અને સુરક્ષાદ‍ળ હતાં. ૨૦૦૯ બાદ જાકાર્તામાં થયેલો આ હુમલો સૌથી મોટો હતો. સૌથી વધુ મુસ્લિમ વસતીવાળા દેશ ઈન્ડોનેશિયામાં આઈઅેસનો આ પહેલો હુમલો છે. પેરિસ હુમલા બાદ આતંકવાદી સંગઠને આ દેશને નિશાન બનાવવા ધમકી આપી હતી. જાકાર્તાના પોલીસવડા ટિટો કારનાવિયને જણાવ્યું કે આ હુમલાનો માસ્ટર માઈન્ડ ઈન્ડોનેશિયન નાગરિક બાહરૂન નઈમ છે. અેવું માનવામાં આવી રહ્યું છે કે હાલ તે સિરિયાના રક્કામાં છે. આતંકવાદી વિરોધી પોલીસ આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા ૨૦ શકમંદની તપાસ કરી રહી છે. રાષ્ટ્રપતિ જોકો વિદોદોઅે આ હુમલાને વખોડતાં લોકોને અફવાથી દૂર રહી ગભરાટમાં નહિ રહેવા અપીલ કરી હતી.

આ હુમલો મધ્ય જાકાર્તાના થામરિન સ્ટ્રીટ વિસ્તારમાં થયો હતો. આ વિસ્તારમાં સંયુક્ત રાષ્ટ્રની કચેરી અને અનેક દૂતાવાસ આવેલા છે. સૌથી પહેલો બ્લાસ્ટ સ્ટારબક્સ કાફે બહાર થયો હતો, જેમાં આગ લાગી હતી. બાદમાં નજીકના શરીના શોપિંગ સેન્ટર પાસે પોલીસચોકી બહાર બે હુમલાખોરોઅે પોતાની જાતને ઉડાવી દીધી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ અન્ય હુમલાખોરોઅે ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ફાયરિંગ લગભગ ત્રણ કલાક ચાલુ રહ્યું હતું. પોલીસ આ ઘટનામાં આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા ૨૦ શકમંદની તપાસ કરી હતી. દરમિયાન ઈસ્તંબૂલમાં હુમલા બાદ બીજા દિવસે તુર્કીમાં પણ આતંકવાદી હુમલો થતાં છ વ્યકિતનાં મોત થયાં હતાં. આતંકવાદીઓએ આ હુમલામાં દોઢ ટન વિસ્ફોટકો ભરેલી ટ્રકમાં વિસ્ફોટ કરી આ ઘટનાને અંજામ આપ્યો હતો. હવે દુનિયાના જવાબદાર દેશોએ આતંકીઓના આ પડકાર સામે સંગઠિત થઇને સંયુક્ત સામનો કરવો પડશે.

You might also like