ટેરર ફંડિંગના તાર પાક. હાઈ કમિશન સુધીઃ હુર્રિયતનો લીગલ એડ્વાઇઝર દેવેન્દ્રસિંહ ઝડપાયો

નવી દિલ્હીછ ઇન્ડિયા ટુડે અને આજતકના સ્ટિંગ ઓપરેશને હુર્રિયતના અલગતાવાદીઓને સંપૂર્ણપણે ઉઘાડા પાડી દીધા છે. કાશ્મીરના અલગતાવાદી નેતા સૈયદઅલી શાહના નિકટના સાથી અને હુર્રિયતના લીગલ એડ્વાઇઝર દેવેન્દ્રસિંહ બહલના નિવાસસ્થાન અને કાર્યાલય પર દરોડા પાડવામાં આવ્યા હતા અને હવે એવો ઘટસ્ફોટ થયો છે કે ટેરર ફં‌િડંગના તાર પાકિસ્તાન હાઇ કમિશન સુધી જોડાયેલા છે. આ કાર્યવાહી બાદ દેવેન્દ્રસિંહ બહલની ધરપકડ કરવામાં આવી હતી અને આજે તેને કાર્ટમાં રજૂ કરાશે. તે ટેરર ફંડિગ પહોંચાડવા માટે કુરિયર તરીકે કામ કરતો હતો.

આ મામલામાં હવે સૈયદઅલી શાહ ગિલાનીના પુત્રની પણ પૂછપરછ કરવામાં આવશેે. સૂત્રોના જણાવ્યા અનુસાર દેવેન્દ્રસિંહ બહલ રોજ પાકિસ્તાન હાઇ કમિશનમાં આવજા કરતા હતા. દેવેન્દ્રસિંહ બહલને ત્યાં આવનારા લોકોમાં ગિલાની ઉપરાંત મીરવાઇઝ અને શબ્બીર શાહનાં નામ પણ છે. ગિલાનીના નિકટના સહયોગી દેવેન્દ્રસિંહ બહલ તેમનાં અલગતાવાદી સંગઠનોના ગ્રૂપના લીગલ વિંગના સભ્ય પણ છે.

એનઆઇએએ જણાવ્યું હતું કે દેવેન્દ્રસિંહ બહલ આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં પણ નિયમિત રીતે હાજર રહેતા હતા. પ્રવક્તાએ જણાવ્યું છે કે એનઆઇએને શક છે કે તેઓ પાકિસ્તાનમાં બેેઠેલા હેન્ડલરો પાસેથી નાણાં ભંડોળ લઇને અલગતાવાદી નેતાઓ સુધી પહોંચાડતા હતા. તેમણે એવો દાવો કર્યો છે કે દરોડા દરમિયાન દેવેન્દ્રસિંહ બહલના ગુનાઓ સાથે સંકળાયેલા દસ્તાવેજો, ચાર મોબાઇલ ફોન, એક ટેબ્લેટ કમ્પ્યૂટર અને બીજી કેટલીક ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી છે અને તેની પૂછપરછ ચાલી રહી છે.

બીજી બાજુ ટેરર ફંડિગ સાથે સંકળાયેલા એક અન્ય કેસમાં એનઆઇએએ ગિલાનીના બીજા પુત્ર નસીમને સમન્સ બજાવીને બુધવારે હાજર થવા આદેશ કર્યો છે. આ અગાઉ એનઆઇએએ ગિલાનીના મોટા પુત્ર નઇમને પણ શનિવારે હેડકવાર્ટર પર બોલાવ્યો હતો, જોકે આ દરમિયાન નઇમે છાતીમાં દુખાવાની ફરિયાદ કરતાં તેને શ્રીનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

દરમિયાન કાશ્મીરના કટ્ટરવાદી નેતા સૈયદઅલી શાહ ગિલાની દ્વારા જારી કરવામાં આવેલ પ્રોટેસ્ટ કેલેન્ડર જપ્ત કરવામાં આવ્યું છે. આ કેલેન્ડર પર ગિલાનીની સહી પણ છે. તેના દ્વારા ફરી એક વાર પાકિસ્તાન હેન્ડલર્સની મદદથી કાશ્મીરમાં અશાંતિ અને હિંસા ભડકાવવામાં અલગતાવાદીઓની મુખ્ય ભૂમિકાનો પર્દાફાશ થયો છે.

You might also like