પીઓકેમાંથી આતંકી કેમ્પ હટાવી લેવા સ્થાનિક લોકોની ચેતવણી

ઈસ્લામાબાદ: પાક. હસ્તકના કાશ્મીર (પીઓકે)માં ચાલતા આતંકી કેમ્પની ત્યાં જ વસતા લોકો હવે પોલ ખોલવા લાગ્યા છે. પીઓકેના વિવિધ ભાગોમાં ચાલતા આ આતંકી કેમ્પ વિરુદ્ધ આજે સ્થાનિક લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને તેની વિરુદ્ધ દેખાવો કર્યા હતા. પીઓકેમાં વસતા લોકોનું કહેવું છે કે અહીં ધમધમતા આતંકી કેમ્પના કારણે તેમની જિંદગી નરકાગાર થઈ ગઈ છે. મુઝફફરાબાદ, ગિલગિટ અને કોટલીમાં આતંકી કેમ્પ સામે દેખાવો કરી રહેલા સ્થાનિક લોકોએ ખુલ્લેઆમ પડકાર ફેંકતાં જણાવ્યું છે કે જો લશ્કર-એ-તોઈબાના જેહાદ્દી અને આતંકી કેમ્પ અહીંથી હટાવવામાં નહીં આવે તો અમને તેમની સામે કાર્યવાહી કરવાની ફરજ પડશે.

પાક. હસ્તકના કાશ્મીરમાં મુઝફફરાબાદ, કોટલી, ચીનારી, મીરપુર, ગિલગિટ, ડાયમર અને નીલમ ખીણના રહેવાસીઓનું કહેવું છે કે આતંકીઓને તાલીમ આપવા માટે આ વિસ્તારોમાં ચાલી રહેલી આતંકી છાવણીઓના કારણે તેમની જિંદગી નરક સમાન થઈ ગઈ છે. અહીંના સ્થાનિક લોકોએ એ વાતને સમર્થન આપ્યું હતું કે તેમના નિવાસી વિસ્તારોમાં આતંકી તાલીમ શિબિરો ચલાવવામાં આવી રહી છે. ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા અનુસાર ઉરી હુમલા બાદ ૧૬-૧૭ આતંકી કેમ્પને લશ્કર-એ-તોઈબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનના તાલીમ કેમ્પને પોતાની વર્તમાન જગ્યાએથી હટાવીને પાક. હસ્તકના કાશ્મીરમાં ખસેડવામાં આવ્યા હતા. આ માટે પાકિસ્તાની આર્મી અને ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ (આઈએસઆઈ)ની મદદ લેવામાં આવી હતી. માનસેરા અને મુઝફફરાબાદથી ચલાવવામાં આવતા આતંકી કેમ્પને પાકિસ્તાનના લશ્કરની મદદથી ખસેડવામાં આવ્યા છે.

You might also like