શોપિયામાં સેના પર હુમલોઃ કુપવાડાની અથડામણમાં એક આતંકવાદી ઠાર

કુપવાડા-શોપિયા: જમ્મુ-કાશ્મીરમાં ફરી એક વાર સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે, જેમાં શોપિયા જિલ્લામાં આતંકીઓએ સેનાની પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કર્યો હતો તેમજ કુપવાડામાં પણ સુરક્ષાદળો અને ત્રાસવાદીઓ વચ્ચે અથડામણ થતાં એક આતંકવાદી ઠાર થયો છે.

શોપિયા જિલ્લાના અહગામમાં સેનાની એક પેટ્રોલિંગ ટીમ પસાર થઈ રહી હતી ત્યારે આતંકવાદીઓએ આ ટીમ પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો, જેમાં એક સુરક્ષા કર્મચારીને ઈજા થઈ હતી. ત્યારબાદ સેનાએ પણ વળતો હુમલો કરતાં આ વિસ્તારમાં તંગદિલી વ્યાપી ગઈ હતી.

ત્યારબાદ સેનાએ આ વિસ્તારમાં રહેતા લોકોને અન્ય વિસ્તારમાં ખસેડી આતંકવાદીઓને પકડવા ઓપરેશન હાથ ધર્યું છે. હાલ આ વિસ્તારમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે.

બીજી તરફ કુપવાડામાં પણ આતંકવાદીઓ અને સેનાના જવાનો વચ્ચે અથડામણ થતાં એક આતંકવાદી ઠાર થયો છે. મીડિયા અહેવાલમાં જણાવાયા અનુસાર કુપવાડાના જંગલમાં ગઈ કાલે મોડી રાતે આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે સામસામે ફાયરિંગ થયું હતું.

જે મોડે સુધી ચાલુ રહેતાં અફરાતફરી મચી ગઈ હતી, જોકે હાલ અમરનાથ યાત્રા શરૂ થઈ ગઈ હોવાથી સેનાએ આ વિસ્તારમાં આતંકવાદીઓ વધુ સક્રિય ન થાય તે માટે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે.

You might also like