આતંકીઓનો ઇરાદો ટ્રેન બ્લાસ્ટ, પઠાણકોટ જેવા હુમલાનો હતો

જમ્મુ: જમ્મુ-કાશ્મીરમાં મંગળવારે થયેલા બે ખોફનાક આતંકી હુમલા બાદ પાકિસ્તાન આતંકી સંગઠન લશ્કર-એ-તોઇબાના નાપાક ઇરાદાઓ બહાર આવ્યા છે. અહેવાલો અનુસાર લશ્કર-એ-તોઇબાના ત્રણ આતંકીઓ જમ્મુના સાંબામાં ચાલતી ટ્રેનમાં પ્રચંડ બ્લાસ્ટ કરવા માગતા હતા અથવા તો પઠાણકોટ જેવા હુમલાને અંજામ આપવા માગતા હતા, ત્યાર બાદ તેમનો ઇરાદો ટ્રેન કે આર્મી કેમ્પ પર માણસો જીવતા સળગી જાય તેવું કેમિકલ ફેંકવાનો હતો.

ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર ઇતિહાસમાં પ્રથમ વખત મૃતક આતંકવાદીઓ પાસેથી મોટાં શસ્ત્રો અને જંગી જથ્થામાં દારૂગોળો પ્રાપ્ત થયો છે. આતંકીઓની પાસે ચેઇન્ડ આઇઆઇજી, સ્યુસાઇડ બેલ્ટ અને વિસ્ફોટકો ભરેલી સ્યુસાઇડ બેગ મળી આવી હતી. પ્રાથમિક અહેવાલો પરથી એવું જાણવા મળી રહ્યું છે કે ઉરી હુમલામાં માર્યા ગયેલા આતંકીઓ પાસેથી પણ આ પ્રકારનાં કેમિકલ મળી આવ્યાં હતાં એટલું જ નહીં, આતંકીઓ પાસેથી કોમ્યુનિકેશનનાં શ્રેષ્ઠ ઉપકરણ પણ મળી આવ્યાં હતાં અને તેના દ્વારા આતંકીઓ પાકિસ્તાનમાં પોતાના આકાઓ સાથે સતત સંપર્કમાં હતા.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આતંકીઓનું આ જૂથ શ્રેષ્ઠ ઉપકરણોની સજજ હતું અને સુરક્ષાદળો સાથે લાંબા સમય સુધી ઝઝૂમી શકાય તે માટે તેમની પાસે એનર્જી ટેબ્લેટ અને એનર્જી ડ્રિંક ઉપરાંત સૂકો મેવો પણ હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે નગરોટા અને ચમલીયાલમાં આતંકીઓએ સુરક્ષાદળોને નિશાન બનાવ્યાં હતાં અને આ ડબલ હુમલામાં સેનાના બે અધિકારી અને પાંચ જવાન શહીદ થયા હતા અને અથડામણમાં ત્રણ આતંકીઓને પણ ઢાળી દેવામાં આવ્યા હતા.

નગરોટામાં લશ્કરે ફરી એક વખત કોમ્બિંગ ઓપરેશન શરૂ કરી દીધું છે. સેનાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર નગરોટા આર્મી યુનિટમાં સેનાએ મોટા પાયે કોમ્બિંગ ઓપરેશન શરૂ કરી દીધું છે. આ ઉપરાંત સાંબા સેક્ટરના રામગઢમાં છન્ની ફતવાલ પોસ્ટ પાસે ત્રણ આતંકીઓને ઢાળી દીધા બાદ આ સ્થળે પણ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

૧૦ દિવસ પહેલાં એલર્ટ જારી કરાયું હતુંઃ આઇબી રિપોર્ટ
અહેવાલો અનુસાર નગરોટા આર્મી કેમ્પ વિસ્તારમાં હુમલો થવાની શક્યતા અંગે ૧૦ દિવસ પહેલાં આઇબી રિપોર્ટમાં એલર્ટ જારી કરાયું હતું તેમ છતાં કેમ્પની સિક્યોરિટી એટલી મજબૂત થઇ શકી નહીં કે આ હુમલાને રોકી શકાય. આ હુમલામાં પાકિસ્તાનથી આવેલા લશ્કર-એ-તોઇબાના આતંકીઓનો હાથ છે. બે અઠવાડિયાં પૂર્વે આતંકીઓ તેની સા‌િજશ રચી રહ્યા હતા અને આ બાબતે ઇન્ટેલિજન્સ બ્યૂરોને બાતમી મળી હતી અને તેથી લશ્કરી કેમ્પ પર હુમલાને લઇને એલર્ટ જારી કરાયું હતું.
આર્મી ઓ‌િ‌ફસરોની બહાદુર પત્નીઓએ બંધક સંકટ ટાળ્યું
જો આર્મી ઓફિસરોની પત્નીઓએ બહાદુરી દાખવી ન હોત તો નગરોટા આતંકી હુમલામાં ઘણું મોટું જંગી નુકસાન થઇ શકયું હોત. ફેમિલી કવાર્ટર્સમાં રહેતી આ મહિલાઓના કારણે બંધક કટોકટી ગંભીર સ્વરૂપ પકડતી અટકાવી શકાઇ હતી. આતંકીઓનો ઇરાદો સૈનિકોના પરિવારના સભ્યોને બંધક બનાવવાનો હતો, પરંતુ નવજાત બાળકો સાથે ફેમિલી કવાર્ટરમાં રહેતી બે મહિલાઓએ બહાદુરી દાખવીને આતંકીઓના ઇરાદા પર પાણી ફેરવી દીધું હતું. બે આર્મી ઓફિસરની પત્નીઓએ હિંમત દાખવીને ઘરના કેટલાક સામાનની મદદથી પોતાના કવાર્ટરમાં આતંકીઓના પ્રવેશને અટકાવી દીધો હતો, જેના કારણે આતંકીઓ આર્મીનાં પરિવારજનોને બંધક બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા.
http://sambhaavnews.com/

You might also like