શ્રીનગરમાં BSF કેમ્પમાં મોટો આતંકી હુમલો, 1આતંકીનું મોત, અન્ય છૂપાયાં

શ્રીનગરમાં એરપોર્ટ નદીક ગોગો હુમહમા વિસ્તારમાં સ્થિત BSF કેમ્પ પર મોટો આતંકી હુમલો કરવામા આવ્યો છે. મંગળવારે સવારે લગભગ 4.30 વાગ્યે ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો બીએસએફની 182મી બટાલિયન પર થયો હતો. આ હુમલામાં ત્રણ જવાન ઘાયલ થયા છે અને એક આતંકીને ઠાર કરાયો છે.

આતંકવાદીઓએ સવારના 4.30 વાગ્યે કેમ્પમાં ઘૂસવાની કોશિશ કરી હતી. આતંકવાદીઓની ગતિવિધિ જાણ્યા બાદ તરત જ જવાનોએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. હાલમાં આતંકીઓ એક બિલ્ડિંગમાં ફસાયા છે, જેને આર્મીએ ઘેરી લીધી છે. બિલ્ડિંગની ચારેબાજુ CRPF, 53RR, BSF અને SOGના જવાનો ગોઠવાઈ ગયા છે.

જાણવા મળી રહ્યું છે કે, બે આતંકીઓ બીએસએફના એડમિનિસ્ટ્રેશન બ્લૉકમાં છૂપાયેલા હોવાની શંકા છે. જો કે આ બ્લૉકમાં જવાનો અને તેમના પરિવારજનો રહેતા નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આતંકીઓ પાસેની એક કૉલોનીમાંથી જ આવ્યા હતા. તેમણે સૌથી પહેલા એક રિટાયર્ડ આઈજીના ઘર પર હુમલો કર્યો હતો, અને ત્યારબાદ તેમના જ ઘરમાં સંતાઈ ગયા હતા. આ આતંકીઓ કેમ્પમાં કોઈ વાહનમાં નહીં, બલ્કે ચાલતા જ ઘૂસ્યા હતા.
હુમલા બાદ શ્રીનગર એરપોર્ટ બંધ કરવામાં આવ્યું હતું. શ્રીનગર એરપોર્ટ પર આતંકી હુમલો થાય તેવી શક્યતા હતી, પરંતુ કડક બંદોબસ્તના કારણે આતંકીઓ ઘૂસી શક્યા નહીં હોય. આ હુમલા પાછળ જૈશ-એ-મોહમ્મદના અફ્ઝલ ગુરુ સ્કવૉડનો હાથ હોવાની શક્યતા છે.

You might also like