ઓપેકની બેઠકમાં સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે ટેન્શન વધ્યું

વિયેના: ઓપેકની બેઠક પૂર્વે સાઉદી અરેબિયા અને ઇરાન વચ્ચે ટેન્શન વધ્યું છે. ઇરાન દ્વારા ક્રૂડનું ઉત્પાદન નહીં વધારવાની વાત બાદ સાઉદી અરેબિયાએ કહ્યું હતું કે દુનિયામાં ક્રૂડના સપ્લાયમાં જોવા મળેલા ઘટાડામાં રાહત મળે તે માટે જે કાંઇ પણ જરૂરી હશે તે કરશે.

સાઉદી પ્રિન્સ અબ્દુલ અઝીઝ બિન સલમાને વિયેનામાં એક બેઠકમાં કહ્યું હતું કે ક્રૂડના બજારની સ્થિરતા બનાવી રાખવા માટે અમે જે કાંઇ પણ જરૂરી હશે તે કરીશું તથા ક્રૂડના સપ્લાયમાં ઘટાડો ના થાય તે જોઇશું. આવનારા દિવસોમાં વૈશ્વિક માગ વધવાના અનુમાનનો ઉલ્લેખ કરતાં પ્રિન્સે વધુમાં જણાવ્યું કે ક્રૂડના ઉત્પાદનમાં ઘટાડાને લઇ દુનિયાના કેટલાય ગ્રાહક દેશો ગુસ્સામાં છે.

દરમિયાન ઇરાન ક્રૂડનું ઉત્પાદન વધારવાનો વિરોધ કરી રહ્યું છે. અમેરિકાએ પરમાણુ કાર્યક્રમને
લઇ ઇરાન પર આર્થિક પ્રતિબંધ મૂકી દીધા હતા. ઓપેકની બેઠક પૂર્વે ઇરાનના ઓઇલ મિનિસ્ટરે જણાવ્યું કે ઇરાન ક્રૂડનું ઉત્પાદન વધારવાનો વિરોધ કરે છે.

આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવમાં ‘સ્ટેડી’ ચાલ
ઓપેકની બેઠક પૂર્વે આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવમાં સ્ટેડી ચાલ જોવા મળી હતી. બ્રેન્ટ ક્રૂડમાં ૦.૨૫ ટકાનો સાધારણ ઘટાડો નોંધાઈ ૭૪.૫૫ ડોલર પ્રતિબેરલ, જ્યારે નાયમેક્સ ક્રૂડમાં ૦.૦૮ ટકાનો ઘટાડો નોંધાઈ ૬૫.૬૬ ડોલર પ્રતિબેરલની સપાટીએ ભાવ જોવા મળ્યા હતા.

ક્રૂડ ૧૦૦ ડોલરે પહોંચશે?
ઓપેકની બેઠકમાં ક્રૂડનું ઉત્પાદન વધારવા અંગે કોઇ નિર્ણય ન લેવાય તો ક્રૂડ ૧૦૦ ડોલરે પહોંચવાની ચેતવણી પાયોનિયર નેચરલ રિસોર્સીસ એજન્સીએ ઉચ્ચારી છે, જેમાં દુનિયાના ક્રૂડનું ઉથ્પાદન કરતા મિત્ર દેશો દ્વારા ઉત્પાદન નહીં વધારીને કાર્ટેલ રચવામાં આવે તો ક્રૂડ ૧૦૦ ડોલર પ્રતિબેરલની સપાટીએ પહોંચી જઈ શકે છે.

You might also like