ટિકિટોના મામલે કોંગ્રેસ સાથે કમઠાણ બાદ ‘પાસ’માં પણ તડાં, હાર્દિક પટેલની ગોંડલની સભા રદઃ

અમદાવાદ: કોંગ્રેસ દ્વારા ગઇ કાલે પ્રથમ તબક્કાની ૮૯ બેઠક પૈકી ૭૭ બેઠકના ઉમેદવાર જાહેર થતાંની સાથે જ કોંગ્રેસ અને પાસ વચ્ચે વિખવાદ સર્જાયો છે. કોંગ્રેસની યાદી જોઇને પાસ ઉશ્કેરાઇ હતી અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહના ઘરે હલ્લાબોલ કરાયું હતું. જોકે પાસમાં પણ કોંગ્રેસની પ્રથમ યાદીથી ભંગાણ પડયું છે. પાસના કન્વીનરોના મતભેદથી હાર્દિક પટેલની ગોંડલની આજની સભા સહિતના તમામ કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યા છે.

દરમ્યાન ગઇકાલ મોડી રાતના હંગામાના પગલે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કોંગ્રેસ અને પાસ વચ્ચે ઓબીસી અનામત માટે બેથી ત્રણ વખત હાર્દિક પટેલની ગેરહાજરીમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી. ગત શુક્રવારે પાસના ચાર કન્વીનરો કોંગ્રેસ સાથે બેઠક યોજવા દિલ્હી દોડી ગયા હતા. જોકે ગુજરાત ભવનમાં આ કન્વીનરોને બેસાડી રાખવાથી ભારે વિવાદ સર્જાયો હતો અને છેવટે પાસના કન્વીનરોને ‌વીલા મોંઢે પરત ફરવાની ફરજ પડી હતી.

અમદાવાદમાં છેલ્લે યોજાયેલી બેઠકમાં પણ કોંગ્રેસ અને પાસ વચ્ચે પાટીદાર સમાજને ઓબીસી અનામતનો મુદ્દો સંતોષકારક ઉકેલાયો ન હતો. આ માહોલમાં કોંગ્રેસ પર પાસએ ૧૦ થી વધુ નામજોગ ટિકિટની માગણી કરી હોવાની પણ ચર્ચા જોરશોરથી ઊઠી હતી. છેવટે કોંગ્રેસ દ્વારા ગઇ કાલે રાત્રે પ્રથમ યાદી જાહેર કરાતાંની સાથે જ દિનેશ બાંભણિયા ભડક્યા હતા અને જે કન્વીનરને ટિકિટ મળી છે તેનો વિરોધ કરીશું તેવી જાહેરાતની સાથે કોંગ્રેસ સાથે સમાધાન નહીં કરાય તેવો રોષ પણ ઠાલવ્યો હતો. પ્રદેશ પ્રમુખ ભરતસિંહના ઘરે પણ પાસનો હલ્લો થતાં રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. જોકે ગઇ કાલની ઘટનાઓથી પાસમાં પણ આંતરિક ફૂટફાટ પડી છે.

ઉત્તર ગુજરાતના પાસના કન્વીનરોએ દિનેશ બાંભણિયાના નિર્ણયનો ઉગ્ર વિરોધ કર્યો છે. ઉત્તર ગુજરાત પાસ દ્વારા દિનેશ બાંભણિયા અને અલ્પેશ કથીરિયાને ર૪ કલાકનું અલ્ટિમેટમ અપાયું છે. આ બંને કન્વીનરોએ આવાં પગલાં કોના ઇશારે લીધાં તેનો જાહેરમાં ખુલાસો નહીં કરાય તો ઉત્તર ગુજરાતનો પાટીદાર સમાજ તેમનો બહિષ્કાર કરશે તેવી ચીમકી પણ અપાય છે. ઓડિયો કાંડના નરેન્દ્ર પટેલે એવો આક્ષેપ કર્યો છે કે, દિનેશ બાંભણિયા અને અલ્પેશ કથીરિયાએ પાસને બાનમાં લીધી છે. તેઓ કહે છે કે, આ બંને જણાએ ભાજપ અને એનસીપીના એજન્ટ જેવું વર્તન કર્યુ છે.

અલ્પેશ કથીરિયા તો પ્રફુલ પટેલને મળી પણ આવ્યા છે. જ્યારે ચાણસ્માના કન્વીનર લાલભાઇ પટેલે પણ દિનેશ બાંભણિયાના નિર્ણયને વખોડ્યો છે. તેઓ હાર્દિક પટેલની નજીકના ગણાય છે. દરમ્યાન અલ્પેશ કથીરિયાને આ અંગે પૂછતાં કહે છે કે, અમારી સામેના આક્ષેપ ખોટા છે તેમણે ગોંડલમાં આજે યોજાનારી હાર્દિકની સભા રદ કરાઇ હોવાની પણ જાણકારી આપી હતી.

દિલીપ પટેલનેે ટિકિટ ન મળતાં સુરતમાં હંગામો થયો હોવાની ચર્ચા અંગે તેમને પૂછતાં તેઓ કહે છે કે, મેં કોઇ ટિકિટ માગી જ નથી. આ દરમ્યાન વીસનગર ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ દરમ્યાન હાર્દિક પટેલ સાથેનો આરોપી પાર્થ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં એવો આક્ષેપ કર્યો છે કે દિનેશ અને અલ્પેશનાં વર્તનથી તેમનું ભાજપ ગમન નિશ્ચિત લાગે છે અને હાર્દિકને એકલો પાડી દેવાનો પ્રયાસ થઇ રહ્યો છે. દરમિયાનમાં અા અાખી બબાલ દરમિયાન કોઈ પ્રતિક્રિયા નહીં અાપનાર હાર્દિક પટેલ અાજે સાંજે રાજકોટમાં પત્તા ખોલે તેવી શક્યતા છે.

You might also like