એન્ડી મરે ત્રીજી વાર સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ યર બન્યો

લંડનઃ વિશ્વના નંબર વન ટેનિસ સ્ટાર બ્રિટનના એન્ડી મરેને રેકોર્ડબ્રેક ત્રીજી વાર બીબીસી સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ યર પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યો છે. ૨૯ વર્ષીય મરે આ પહેલાં વર્ષ ૨૦૧૩ અને ૨૦૧૫માં આ પુરસ્કાર પોતાના નામે કરી ચૂક્યો છે. મરે ૨,૪૭,૪૧૯ વોટ સાથે ટોચના સ્થાને રહ્યો હતો.

બ્રિટિશ ખેલાડી એન્ડી મરેનું આ વર્ષે શાનદાર પ્રદર્શન રહ્યું છે. તેણે રિયો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવા ઉપરાંત પોતાની કરિયરનો બીજો વિમ્બલ્ડન ખિતાબ જીત્યો છે. મરેએ તાજેતરમાં જ સર્બિયાના નોવાક જોકોવિચને હરાવીને વિશ્વ રેન્કિંગમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું. વર્લ્ડ નંબર વન મરે હાલ આગામી સિઝનની તૈયારી કરી રહ્યો છે, પરંતુ તેણે ફ્લોરિડાથી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો. બ્રિટનના ભૂતપૂર્વ બોક્સર અને વિશ્વ ચેમ્પિયન લેનોક્સ લૂઇસે ૧૨ હજાર દર્શકોની હાજરીમાં મરેને આ પુરસ્કાર એનાયત કર્યો હતો.

એન્ડી મરેએ કહ્યું, ”રમતોની દૃષ્ટિએ બ્રિટન માટે આ વર્ષ ઘણું શાનદાર રહ્યું છે. મને ગર્વ છે કે હું પણ એનો એક હિસ્સો છું. વોટ કરવા માટે તમારા સૌનો આભાર. આ પુરસ્કાર ભવિષ્યાં સારું પ્રદર્શન કરવા માટે મને પ્રેરિત કરશે.”

મરે ઉપરાંત લિસેસ્ટર સિટી ફૂટબોલ ક્લબના મેનેજેર ક્લાઉડિયા રેનિરીને કોચ ઓફ ધ યર પુરસ્કાર એનાયત કરાયો હતો. ઇટાલીના રેનિરીના માર્ગદર્શનમાં ઈંગ્લિશ ક્લબ લિસેસ્ટર સિટી ફૂટબોલ ક્લબને પ્રીમિયર લીગ ખિતાબ મળ્યો છે.
http://sambhaavnews.com/

You might also like