હવે દસના સિક્કા નહીં ચાલે તેવી અફવાનો દૌર !

નોટબંધીના નિર્ણય બાદ કરન્સીને લઈ માર્કેટમાં જાતજાતની અફવા ચાલી રહી છે. રૂ.પ૦૦ અને રૂ.૧૦૦૦ની નોટ ચલણમાંથી બંધ થયા બાદ સ્થિતિ હજુ થાળે પડી નથી ત્યાં હવે નવી અફવા ફેલાવવામાં આવી રહી છે. ખાસ કરીને સોૈરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૧૦ના સિક્કા બંધ થઈ રહ્યા છે તેવી અફવાઓ કોઈ ટીખળખોરો ફેલાવી રહ્યા છે. આવી અફવાઓને સાચી માની લઈને કેટલાંક ગામડાંમાં તો રૂ. ૧૦ના સિક્કા નાના દુકાનદારો કે છૂટક રેંકડીઓ લઈને વેપાર કરનારાઓએ લેવાનું બંધ કરી દીધું છે. રૂ. ૧૦ના સિક્કા ચલણમાં હોવાનું કેટલાક શિક્ષિત લોકો કહે તો પણ નાના વેપારીઓ માનતા નથી આથી જેમની પાસે આવા સિક્કા પડ્યા છે તેઓની મુશ્કેલી વધી ગઈ છે.

એક, બે અને પાંચના સિક્કાઓ તો ચાલી રહ્યા છે પણ દસના સિક્કા વટાવવાની મૂંઝવણ છે. ગામડાંના જે લોકો પાસે આવા દસના સિક્કા છે તેઓ શહેરોમાં તેમના સંબંધીઓ રહેતા હોય તેમને મોકલાવી રહ્યા છે. સોૈરાષ્ટ્રમાં જસદણ, ચોટીલા, બાબરા જેવા તાલુકાનાં ગામડાંઓમાં કે જ્યાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે ત્યાં રૂ. ૧૦ના સિક્કા નથી ચાલતા તેવી અફવાઓની અસરો વધુ જોવા મળી રહી છે. આવાં ગામડાંઓમાં છૂટક વેપાર કરતા હોય તેઓ નવા સિક્કા ગ્રાહકો પાસેથી લેતા નથી તો બીજી બાજુ તેમની પાસે રૂ. ૧૦ના ભેગા થયેલા સિક્કાઓને વટાવવાની વેતરણમાં લાગી ગયા છે.

ગામડાંઓમાં ચલણને લઈને ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી હોવા છતાં હજુ સુધી રિઝર્વ બેન્ક કે કોઈ સત્તાવાળાઓ તરફથી આવી અફવાઓ વિશે લોકોને જાગ્રત કરવા માટેના કોઈ પ્રયાસો કરવામાં આવ્યા નથી.
http://sambhaavnews.com/

You might also like