સાઉદી અરેેબિયાના એક મકાનમાં આગ લાગતાં ૧૦ ભારતીય જીવતા ભડથું થયા

દુબઇ: સાઉદી અરેબિયામાં બુધવારે રાત્રે એક મકાનમાં આગ લાગવાથી તેમાં રહેતા ઓછામાં ઓછા દસ ભારતીય જીવતા ભડથું થઇ ગયા હતા અને છ ઘાયલ થયા હતા. વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે મને સાઉદી અરેબિયાના નજરાનમાં આગની ઘટના અંગે જાણ થઇ છે, જેમાં આપણે દસ ભારતીય નાગરિકોને ગુમાવી દીધા છે અને છ ઘાયલ હોસ્પિટલમાં છે. સાઉદી અરેબિયામાં તહેનાત વિદેશ મંત્રાલયના અધિકારીઓ મદદ માટે સ્થળ પર પહોંચી ગયા છે.

વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે વધુમાં જણાવ્યું હતું કે મેં જિદ્દાહના કોન્સલ જનરલ સાથે વાત કરી છે. નજરાન જિદ્દાહથી ૯૦૦ કિ.મી. દૂર છે. આપણા કર્મચારીઓ પ્રથમ ઉપલબ્ધ ફલાઇટ દ્વારા નજરાન જઇ રહ્યા છે. આપણા કોન્સલ જનરલ નજરાનના ગવર્નરના સંપર્કમાં છે અને તેઓ મને નિયમિત રીતે વાકેફ કરી રહ્યા છે.

વિદ્યા એસ. નામની એક મહિલાએ ટ્વિટર પર વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ પાસે પોતાના પતિના મોત અને તેમના શબને સ્વદેશ લાવવા માટે મદદ માગી હતી અને તેમની આ માગણી બાદ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે એકશન મોડમાં આવીને ટ્વિટ કર્યું હતું તેમજ સાઉદી અરેબિયામાં જિદ્દાહના કોન્સલ જનરલ સાથે સંપર્ક કર્યો હતો. તેમણે જિદ્દાહના કોન્સલ જનરલ અને દૂતાવાસના અધિકારીઓને નજરાન જવા સૂચના આપી હતી તેમજ ત્યાંથી આગમાં મૃત્યુ પામેલા દસ મૃતદેહને ભારત મોકલવા માટે વ્યવસ્થા કરવા જરૂરી સૂચના આપી હતી.

આગની આ ઘટનામાં દસ ભારતીય ઉપરાંત એક અન્ય વ્યકિતનું પણ મોત થયું છે, જેની ઓળખ થઇ શકી નથી. આ અગાઉ અરબ ન્યૂઝે સાઉદી નાગરિક સુરક્ષાને ટાંકીને જણાવ્યું હતું કે દ‌િક્ષણ નજરાન સ્થિત આ મકાનમાં ૧૧ કામદારોનાં મોત થયાં છે અને છ ઘાયલ થયા હતા. આ તમામ લોકો ભારત અને બાંગ્લાદેશના છે. સાઉદી ગેઝેટ અનુુસાર ઘાયલ છ કામદારોમાં ચાર ભારતીયનો સમાવેશ થાય છે. આ કામદારો એક કન્સ્ટ્રકશન કંપનીમાં કામ કરતા હતા અને ફૈસલિયા જિલ્લાના એક માર્કેટ નજીક રહેતા હતા. પ્રારંભિક તપાસ અનુસાર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.
http://sambhaavnews.com/

You might also like