Ahmedabad: વસ્ત્રાપુર તળાવથી બ્રિજ સુધીના ડિમોલિશનને કામચલાઉ બ્રેક

અમદાવાદ: નવા પશ્ચિમ ઝોનના બોડકદેવ વોર્ડમાં વસ્ત્રાપુર તળાવથી આઇઆઇએમબ્રિજના છેડા સુધીના અસમતોલ પહોળાઇ ધરાવતા આશરે ૪૦૦ મીટર હયાત રસ્તાને એકસરખો ૭૦ ફૂટ પહોળો કરવાની તંત્રની કામગીરીમાં હવે ગઇ કાલથી શરૂ થયેલી ધો.૧૦ અને ધો.૧રની બોર્ડ એકઝામનું ‘વિઘ્ન’ નડ્યું છે.

વસ્ત્રાપુર તળાવથી આઇઆઇએમબ્રિજના છેડા સુધીના હયાત રોડનો મામલો કોર્પોરેશનમાં લાંબા સમયથી ગાજી રહ્યો છે. આ અસમતોલ પહોળાઇ ધરાવતા રોડને એકસરખો સમાંતર કરવાની દરખાસ્ત છેક ગયા નવેમ્બર ર૦૧૬માં સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મુકાઇ હતી. અત્યારે હયાત રોડ રપથી ૩૦ ફૂટ જેટલો હોઇ અહીં વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે.

અંધજનમંડળ ચાર રસ્તા પર કરોડોના ખર્ચે ફ્લાય ઓવરબ્રિજ બનાવ્યા બાદ ટ્રાફિકની સ્થિતિ સુધરવાના બદલે આઇઆઇએમબ્રિજના છેડા પર વધુ વણસી છે. પરિણામે આઇઆઇએમ બ્રિજના છેડાથી વસ્ત્રાપુર તળાવ સુધીના રસ્તાને પહોળો કરવાની કવાયત સવા-દોઢ વર્ષ અગાઉથી હાથ ધરાઇ હતી.

તે વખતે હયાત રોડને ૩૬ મીટર એટલે કે ૧ર૦ ફૂટ પહોળો કરવાની દરખાસ્ત મુકાઇ હતી, કેમ કે વર્ષ ર૦૧રના રિવાઇઝડ ડેવલપમેન્ટ પ્લાન મુજબ આ રોડને ૧ર૦ ફૂટનો કરવો આવશ્યક હતોઽ જોકે આ આયોજનમાં કોમર્શિયલ અને રહેણાક મિલકતોને વ્યાપક અસર થતી હતી, તેમાં પણ રહેણાકના પ૩ બિલ્ડિંગના ર૦૦ ફલેટને જમીનદોસ્ત કરવા પડે તેમ હતા, જેના કારણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કારણે સત્તાધીશો મુંઝાયા હતા. ખુદ ભાજપમાં આ પ્રકારની રોડલાઇન કપાતનો ઉગ્ર વિરોધ કરાયો હતો.

આ મામલે કપાતમાં જતી મિલકતના અસરગ્રસ્તોને તંત્રે સામૂહિક નોટિસ ફટકારી હતી. પ્રારંભમાં ૩૬ મીટર રોડ લાઇનને મંજૂરી અપાતાં અસરગ્રસ્તોને સત્તાવાળાઓએ વ્યક્તિગત નોટિસ પણ આપી હતી, જોકે સ્ટેન્ડિંગ કમિટીઅે અસરગ્રસ્તોના તમામ વાંધાને ફગાવી દીધા હતા, પરંતુ ૩૬ મીટરની રોડલાઇન સામે જબ્બર વિરોધ થતાં શાસકો પારોઠનાં પગલાં ભરવા વિવશ બન્યા હતા.

ગત જૂન-ર૦૧૭માં હયાત ‘બોટલનેક રોડ’ને ૧ર૦ ફૂટને બદલે ૭૦ ફૂટ પહોળો કરવાનો નિર્ણય લેવાયો હતો. રોડની પ્રસ્તાવિત પહોળાઇમાં ખાસ્સો પ૦ ફૂટનો ઘટાડો કર્યા બાદ પણ આજની સ્થિતિએ કુલ ૧ર૩ મિલકતો અસરગ્રસ્ત થાય છે. આમાં દાયકાઓ જૂનાં બે મંદિરનો પણ સમાવેશ થાય છે.

આ રોડને નવી નીતિ મુજબ ૩૬ મીટરના બદલે ર૧ મીટર એટલે કે ૧ર૦ ફૂટ પહોળો કરવા સંદર્ભંે નવા પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના સત્તાવાળાઓએ ગત ઓક્ટોબર-ર૦૧૭માં અસરગ્રસ્તોને જીપીએમસી એક્ટ ર૧ર(ર) હેઠળ નોટિસ બજવણી કરી હતી.

ગયા ફેબ્રુઆરી મહિનાના પ્રારંભમાં વસ્ત્રાપુરના બોટલનેક રોડને પહોળા કરવાનાે મામલો ચર્ચાસ્પદ બન્યો હતો. તંત્રે રોડ લાઇન પહોળી કરવાનું નવેસરથી અભિયાન હાથ ધરતાં કેટલાક અસરગ્રસ્તોએ સ્વેચ્છાએ દબાણ ખસેડી લીધાં હતાં. ત્યારબાદ નવા પશ્ચિમ ઝોનની બોડકદેવ ખાતેની ઝોનલ ઓફિસમાં અસરગ્રસ્તો સાથેની બેઠકમાં એસ્ટેટ વિભાગના સત્તાવાળાઓએ અસરગ્રસ્તોને તા.૧ર માર્ચ સુધીની અંતિમ મુદત આપી હતી.

દરમ્યાન નવા પશ્ચિમ ઝોનના આસિસ્ટન્ટ મેનેજર વિશાલ ખનામા કહે છે, ગઇ કાલથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. આ સંજોગોમાં પોલીસ બંદોબસ્ત મળી શકે તેમ ન હોવાથી ૧પ દિવસ બાદ પૂરતો પોલીસ બંદોબસ્ત મેળવીને વસ્ત્રાપુરના બોટલનેક રોડનું ઓપરેશન ડિમોલિશન હાથ ધરાશે. આજે અમુક અસરગ્રસ્ત સ્વેચ્છાએ દબાણ હટાવી રહ્યા હોવાથી તંત્ર દ્વારા મદદ માટે એક જેસીબી મશીન પૂરું પડાયું છે.

You might also like