વડોદરા મનપાનાં દરોડા, પાણીપુરી વહેંચવા પર કામચલાઉ પ્રતિબંધ

વડોદરામાં ચોમાસાની શરૂઆત થતાં જ વિવિધ વિસ્તારોમાં ચારે બાજુ રોગચારો વકર્યો છે. જેને ડામવા માટે વડોદરા મહાનગર સેવાસદનની આરોગ્ય શાખા દ્વારા અનેરા પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે. જેમાં છેલ્લાં એક સપ્તાહથી શહેરમાં વહેંચાણ થતી પાણીપુરીની લારીઓ તેમજ બનાવટ કરનાર વેપારીઓ સામે તંત્રએ લાલ આંખ કરતાં વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

રવિવારની રજાનાં દિવસે પણ આરોગ્ય શાખાની ટીમે અકોટા વિસ્તારમાં આવેલ પરસુરામ ભટ્ટો અને રામપુરા ખાતે બનાવટ કરતાં 6થી 7 વેપારીઓને ત્યાં દરોડા પાડ્યાં હતાં અને પાણીપુરીમાં વપરાતી ચીજવસ્તુનો નાશ કર્યો હતો અને વેપારીઓને હાલ પૂરતો ધંધો બંધ કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે.

મહત્વનું છે કે ચોમાસામાં વાસી અને દૂષિત આહારને લઇને આરોગ્ય પર ખરાબ અસર પડી રહી છે તેમજ રોગચાળામાં પણ સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે વડોદરામાં પાલિકાનાં આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં પાણી-પુરી વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યાં હતાં અને ઘણી ખરી બિનજરૂરી સામગ્રીનો નાશ કરાયો હતો.

જેમાં ચણા, બટાકા અને ચટણી સહિત 2500 લીટર પાણીનો પણ નાશ કરવામાં આવ્યો છે. જો કે આ દરોડા પાડ્યાં બાદ પાણીપુરીમાં વપરાતી ચીજવસ્તુનો નાશ કરીને વેપારીઓને હાલ પૂરતો ધંધો બંધ કરવા માટેની પણ કડક સૂચના આપવામાં આવી છે.

You might also like