મંદિરોના પુજાપામાંથી ખાતર અને અગરબત્તી બનાવાશે

અમદાવાદ: શહેરની સ્વચ્છતામાં વૃદ્ધિ કરવાની સાથે મંદિરોના પુજાપાને એકત્ર કરીને તેમાંથી ખાતર અને અગરબત્તી બનાવવાના પ્રોજેક્ટનો આજે તંત્ર દ્વારા પ્રારંભ કરાયો છે. શરૂઆતનાં તબક્કામાં નવા પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનના વસ્ત્રાપુર કલ્યાણ પુષ્ટિ હવેલી, ગુરુકુળ સ્વામિનારાયણ મંદિર ઇસ્કોન મંદિર વગેરે પચાસેક મંદિરનાં પુજાપાને એકત્ર કરાશે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના તિલક બાગમાં બગીચાનાં વૃક્ષોનાં સુકાં પાંદડાં વગેરેમાંથી ખાતર અને અગરબત્તી બનાવવાનો પ્લાન્ટ અમલમાં મુકાયો હતો. એક ટનની ક્ષમતા ધરાવતા આ પ્લાન્ટનો કોન્ટ્રાક્ટ ગયા મહિને પૂર્ણ થતા મંદિરોના પુજાપામાંથી ખાતર અને અગરબતી બનાવવાનો પ્રોજેકટ આજથી અમલમાં મુકાયો છે.

વસ્ત્રાપુરની કલ્યાણ પુષ્ટિ હવેલીના પુજાપાને એકત્ર કરીને તિલકબાગ ખાતેના પ્લાન્ટમાં રવાના કરવાનાં વાહનને આજે સવારે ડેપ્યુટી મેયર દિનેશ મકવાણાના હસ્તે પ્રસ્થાન કરાયું હતું. જે પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટ, હેલ્થ કમિટીના ચેરમેન પરેશ પટેલ વગેરે હાજર હતા.

દરમ્યાન આ અંગે વધુ માહિતી આપતાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ડિરેકટર હર્ષદ સોલંકી કહે છે, શહેરના સુપ્રસિદ્ધ જગન્નાથજી મંદિર કાલુપુર સ્વામિનારાયણ મંદિર, કેમ્પ હનુમાન સહિતના પાંચસોથી વધુ મંદિરના પુજાપાને એકત્ર કરીને તેમાંથી ખાતર તેમજ અગરબત્તી બનાવવાની કામગીરી એકાદ મહિનામાં આવરી લેવાશે. હાલમાં પુજાપાને એકત્ર કરવાની એક ગાડી મુકાઇ છે. આગળના તબક્કાઓ મુજબ આ વાહનની સંખ્યામાં વધારો કરાશે.

You might also like