સ્ટેડિયમમાં જ્યારથી મંદિર બન્યું છે, ટીમ ઇન્ડિયા ક્યારેય મેચ હારી નથી

હૈદરાબાદ: જીવનના કોઈ પણ ક્ષેત્રમાં જ્યારે કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે છે ત્યારે બધું ઠીક કરવા માટે ભગવાનની શરણમાં જવું એ સામાન્ય વાત છે અને રમત પણ આમાંથી બાકાત નથી, પરંતુ એક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમની અંદર મંદિર હોવું એ થોડી વિચિત્ર વાત લાગે છે.

ઉપ્પલના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં એન્ટ્રી કરતાં જ તેમને ગણેશજીનું મંદિર જોવા મળશે. આ સ્ટેડિયમમાં હાલ ભારત અને વિન્ડીઝની વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે.

સામાન્ય દિવસમાં ભલે કોઈનું ધ્યાન આ મંદિર તરફ જતું ના હોય, પરંતુ મેચના દિવસે આ મંદિર બધાનું ધ્યાન ખેંચે છે. આ મંદિર પાછળની સ્ટોરી અંગે પૂછવામાં આવતાં પૂજારી હનુમંત શર્માએ કહ્યું, ”આ મંદિરનું નિર્માણ ૨૦૧૧માં કરવામાં આવ્યું હતું, કેમ કે ભારતની ટીમ અને આઇપીએલની તત્કાલીન ફેન્ચાઇઝી ડેક્કન ચાર્જર્સ આ મેદાન પર મેચ હારી રહી હતી.

ઘરેલુ ટીમો માટે આ મેદાન અશુભ સાબિત થઇ રહ્યું હતું. તપાસ કરતાં જાણવા મળ્યુ કે વાસ્તુદોષ છે. ભગવાન ગણેશજી વાસ્તુશાસ્ત્રના દેવતા છે. હવે તમે મંદિરના નિર્માણ બાદ ૨૦૧૧ પછીનો રેકોર્ડ જોઈ લો, ભારતીય ટીમ અહીંયા ક્યારેય પણ હારી નથી.”

આંકડાના અનુસાર ભારતે આ મેદાન પર પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ ૨૦૦૫માં રમી હતી. દક્ષિણ આફ્રિકા સામે એ વન-ડે મેચમાં ભારતનો પાંચ વિકેટે પરાજય થયો હતો. ત્યારબાદ ભારતીય ટીમ ૨૦૦૭ અને ૨૦૦૭માં ઓસ્ટ્રેલિયામાં પણ હારી ગઈ હતી.

ભારતે ૧૪ ઓક્ટોબર, ૨૦૧૧ના રોજ અહીં ઇંગ્લેન્ડને હરાવ્યું, શ્રીલંકાને પણ છ વિકેટથી હરાવ્યું હતું. આ રીતે ૨૦૧૦માં ન્યૂઝીલેન્ડની સામે આ મેદાન પર રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો ગઇ હતી. ત્યારબાદ ભારત અહીં જે ત્રણ ટેસ્ટ મેચ રમ્યું તેમાં મોટા અંતરથી જીત હાંસલ થઈ છે. ટીમ ઇન્ડિયાનું વર્તમાન ફોર્મ જતાં એવું લાગી રહ્યું છે કે અહીં રમાઈ રહેલી વિન્ડીઝ ટેસ્ટમાં પણ જીતનો આ ક્રમ આગળ પર વધશે.

પૂજારી હનુમંત શર્માને પૂછવામાં આવ્યું કે શું ભારતના કોઇ દિગ્ગજ ખેલાડી અહીં પૂજા કરવા માટે આવે છે. ત્યારે તેમણે કહ્યું, ”મહેન્દ્રસિંહ ધોની પ્રેક્ટિસ સેશન બાદ અહીં આવીને ભગાવન ગણેશજીના આશીર્વાદ લે છે. બીજુ એક નામ મારા ધ્યાનમાં આવી રહ્યું છે, તે છે કર્ણ શર્માનું.

You might also like