અમદાવાદ બન્યું ઠંડા ઠંડા, કૂલ કૂલ

અમદાવાદ: કડકડતી ઠંડીની સિઝન શિયાળાનું શહેરમાં આગમન થઇ ચૂકયું હોય તેવો અહેસાસ આજે અમદાવાદીઓને થયો છે. અત્યાર સુધી શિયાળાની બેટિંગ ખાસ જામી ન હતી, પરંતુ જે પ્રકારે આજે સવારથી ઠંડાગાર પવનો ફુંકાઇને સમગ્ર માહોલ ‘કૂલ કૂલ’ થયો છે. તેના કારણે શહેરીજનોમાં ‘હવે ઠંડી આવી’ તેવી ચર્ચા થવા લાગી છે. આજે શહેરમાં ૧૪.૧ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં ઠંડી વધવાની છે. સામાન્ય રીતે કારતક, માગશરમાં હાડ થીજાવી દે તેવી ટાઢ પડતી હોય છે, પરંતુ વૈશ્વિક હવામાનમાં થયેલા ફેરફારને પગલે શિયાળો પણ આંશિક રીતે બદલાયો છે. દિવાળીના તહેવારો બાદ જ વાતાવરણમાં સહેજ ઠંડક જોવા મળે છે. આ વખતે તો આખો કારતક મહિનો ઠંડી વગરનો જાય તેમ હતો, પરંતુ આજે કાર્તિકી અમાસે ઠંડીએ દેખા દીધી છે.

સવારથી ઠંડીના સામ્રાજ્યના પગલે ઠેર ઠેર લોકો તાપણા પ્રગટાવીને હૂંફ મેળવતા નજરે પડતા હતા. શાળાના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ ગરમ વસ્ત્રોથી ઢબુરાઇ ગયા હતા. નોકરિયાત વર્ગને પણ સ્વેટર, મફલર ઓઢીને કામ પર જવાની ફરજ પડી હતી. આબુ ૧૪.૧ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું હતું.

મંગળવાર તા.૧પ ડિસેમ્બરે શહેરમાં ઠંડીનો પારો ગગડીને ૧૦ ડિગ્રીએ પહોંચશે તેવી પણ હવામાન વિભાગની આગાહી છે. દરમિયાનમાં આજે રાજ્યના શહેરોની ઠંડી તપાસતાં નલિયા નવ ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ઠંડુગાર શહેર બન્યું હતું. જ્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ૧ર.૦ ડિગ્રી ઠંડી નોંધાઇ હતી., રાજકોટમાં ૧ર.૭, ડીસામાં ૧૩.૪, ભૂજમાં ૧૪.૦, વડોદરામાં ૧૭.૬ અને સુરતમાં ૧૯.૬ ડિગ્રી સેલ્શિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.

You might also like