શિયાળાની જમાવટઃ શહેરમાં ગાત્રો ધ્રુજાવતી ઠંડી યથાવત્

અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં માગશરની કાતિલ ઠંડીનું તીવ્ર મોજું ફરી વળ્યું છે. રાજ્યના કચ્છ વિસ્તારના નલિયામાં હાડ થિજાવતી ઠંડી નોંધાઇ છે. નલિયામાં આજે ઠંડીનો પારો ગગડીને છેક ૩.ર ‌ડિગ્રી સે‌િલ્સયસે જઇને અટકતાં નલિયાવાસીઓ રીતસરના ધ્રુજી ઊઠ્યા છે.

ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે છેલ્લા ચાર-પાંચ દિવસથી ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાઇ રહ્યું છે. લોકો લગ્નપ્રસંગોમાં ગરમ વસ્ત્રોને ફરજિયાતપણે પહેરવા વિવશ બન્યા હતા, જોકે હવે આજથી કમુરતાં શરૂ થયાં હોઇ માંગલિક અવસરોમાં સ્વેટર, શાલ કે મફલર પહેરીને મહાલવાની મજા મળશે નહીં.

નલિયા બાદ કંડલામાં ૬.૩ ડિગ્રી ઠંડી નોંધાઇ હતી. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ૮.ર, ડીસામાં ૮.૩, અમરેલીમાં ૯.૪, પોરબંદર અને રાજકોટમાં ૯.પ એટલે કે ૧૦ ડિગ્રીથી પણ ઓછી એવી કડકડતી ઠંડી પડી છે. ભૂજમાં ૧૦.૦, વલસાડમાં ૧૦.૬, વડોદરા અને વલ્લભ વિદ્યાનગરમાં ૧૧.૬, દ્વારકામાં ૧૪.૬ અને વેરાવળમાં ૧પ.૯ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.

ગઇ કાલે અમદાવાદમાં ૧૧.પ ડિગ્રી ઠંડી હતી. જ્યારે આજે સામાન્ય તાપમાન કરતાં બે ડિગ્રી ઓછું ૧૧.૪ ડિગ્રી સે‌િલ્સયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં હજુ ઠંડીનો પારો નીચે ગગડીને નવ ડિગ્રીથી નીચે જાય તેવી હવામાન વિભાગની આગાહી છે. જ્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ગઇ કાલની સરખામણીમાં આજે ઠંડીનો પારો દોઢ ડિગ્રી પણ નીચે ગગડીને ૮.ર ડિગ્રીએ જઇને અટકયો હતો, જેના કારણે પાટનગરવાસીઓની હાલત કફોડી બની હતી.

You might also like