ટેલિવિઝન ડે તો રોજ ઉજવાવો જોઈએ!

ટેલિવિઝન આપણાં બધાંનાં જીવનનું અભિન્ન અંગ બની ગયું છે. એક સમયે કદાચ આખો દિવસ ભૂખ્યા રહી શકાય પણ ટીવી વિના રહેવું મુશ્કિલ હી નામૂમકિન બની ગયું છે. ઘરે બેઠા વિશ્વના ખૂણે ખૂણાના સમાચાર આપણી પાસે આવી જાય છે. રાત્રે આઠ વાગ્યે આપણાં દેશના વડા પ્રધાન રાષ્ટ્રજોગ સંબોધન કરે અને રાતોરાત લોકોને દોડતાં કરે, હબલ ટેલિસ્કોપ સનફ્લાવર આકાશગંગાની તસવીર લે અને એ તસવીર ટીવીના માધ્યમથી સીધી આપણાં સુધી પહોંચે એ ટેલિવિઝનની જ કરામત છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના શું હાલહવાલ છે તેની માહિતી આપણને ઘરે બેઠાં બેઠાં ટીવી જ તો પૂરી પાડે છે. જોકે, મજાની વાત એ છે કે નાના કદના ટેક્નો ગેઝેટ્સની બોલબાલા છે, તેનાથી વિપરીત હવે લોકોમાં મોટી સાઇઝના ટેલિવિઝન સેટ વસાવવાનો શોખ જોવા મળે છે. ૨૧ નવેમ્બરે વર્લ્ડ ટેલિવિઝન ડે છે, ત્યારે એવો વિચાર આવે કે ટેલિવિઝન ડેની ઉજવણી એક દિવસ પૂરતી સીમિત ન રાખીને દરરોજ કરવી જોઇએ. યાદ છે, પહેલાં છત પર મોટું એન્ટેના લગાવીએ પછી ટીવીનાં સિગ્નલ પકડાય. રોજ એન્ટેનાની પોઝિશન સેટ કરવી પડે. હવે તો ડિજિટલ ક્રાંતિને પરિણામે સેટેલાઈટ મારફતે સરળતાથી ટીવી પર મનોરંજન માણી શકાય છે. ટીવી વિના હવે આપણું જીવન શક્ય નથી. અરે, ટીવીની વાત તો જવા દો, જો રિમોટ પણ થોડા સમય માટે ખોવાઇ જાય તો વ્યક્તિ બેબાકળી બની જતી હોય છે. ટેલિવિઝને સમગ્ર વિશ્વને આપણાં ઘરમાં લાવીને મૂકી દીધું છે એમ કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી.

You might also like