ભારતી એરટેલ-ટાટા ટેલિ.ના મર્જરને ટેલિકોમ વિભાગની શરતી મંજૂરી

ટેલિકોમ વિભાગે ભારતીય એરટેલ અને ટાટા ટેલિ સર્વિસીઝના મર્જરને શરતી મંજૂરી આપી દીધી છે. ટેલિકોમ વિભાગે એવી શરત મૂકી છે કે સુનીલ મિત્તલનાં વડપણ હેઠળની કંપની ભારતી એરટેલે વન ટાઇમ સ્પેક્ટ્રમ ફી પેટે રૂ.૭,૨૦૦ કરોડની બેન્ક ગેરંટી આપવી પડશે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે ટેલિકોમ પ્રધાન મનોજ સિંહાએ ૭ એપ્રિલના રોજ ભારતી એરટેલ અને ટાટા ટેલિ સર્વિસીઝના મર્જરને શરતી મંજૂરી આપી છે. પ્રધાનની મંજૂરી બાદ ટેલિકોમ વિભાગે એરટેલને રૂ.૭,૨૦૦ કરોડની બેન્ક ગેરંટી આપવા જણાવ્યું છે.

મર્જરને રેકોર્ડ પર લેતા પહેલાં બંને કંપનીઓએ કોર્ટ કેસ અંગે પોતાના તરફથી વચનબદ્ધતા આપવી પડશે. ભારતી એરટેલ એકસાથે રૂ.૬,૦૦૦ કરોડની બેન્ક ગેરંટી આપશે અને સાથે જ ટાટા ટેલિ સર્વિસીઝ લિ.ને મળનારા સ્પેક્ટ્રમ માટે મળનારા રૂ. ૧,૨૦૦ કરોડની બેન્ક ગેરંટી આપશે.

એક અન્ય અધિકારીએ જણાવ્યું હતું કે સમગ્ર ડીલને સંપન્ન કરતા પહેલા ટાટા ટેલિ સર્વિસીઝ લિમિટેડે જે નાની રકમ પણ બાકી કે લહેણી હોય તે ચૂકવી દેવી પડશે. સૂચિત કરાર હેઠળ એરટેલ ૧૯ ટેલિકોમ સર્કલમાં ટાટાના ગ્રાહકોનો મોબાઇલ બિઝનેસ પોતાના હાથમાં લેશે.

તેમાંથી ૧૭ સર્કલ ટાટા ટેલિ સર્વિસીઝ લિ.ના અને બે ટાટા ટેલિ સર્વિસીઝ લિ. મહારાષ્ટ્ર લિ. હેઠળ આવે છે. આ ઉપરાંત એરટેલે ટાટા ટેલિ સર્વિસીઝ લિ.ની સ્પેક્ટ્રમ લેણાના એક નાના ભાગની જવાબદારી પણ લેવા માટે સંમતિ આપવી પડશે. આ મર્જરથી એરટેલના સ્પેક્ટ્રમ પુલને મંજૂરી મળશે.

તેની પાસે ૧,૮૦૦, ૨,૧૦૦ અને ૮૦૦ મેગાહર્ટ્ઝ બેન્ડમાં ૧૭૮.૫ મેગાહર્ટ્ઝ એડિશનલ સ્પેક્ટ્રમ સામેલ થશે કે જેનો ફોર જીમાં વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતી એરટેલ ટીડી સેટમાં તેનાથી પડકાર આપશે. આજે ટીડી સેટમાં અરજી દાખલ થઇ શકે છે. ગઈ સાલ બંને કંપનીએ ડિલની જાહેરાત કરી હતી અને બંને કંપનીને એલસીએલટીની મંજૂરી મળી ચૂકી છે.

You might also like