તેલંગાણાની ભયંકર ગરમીમાં મહિલાઅે જમીન પર જ અામલેટ બનાવી દીધી

નવી દિલ્હી: તેલંગાણામાં હાલમાં અાગઝરતી ગરમી પડી રહી છે. ગરમી કેટલી વધુ છે તેનો અંદાજ કરીમનગરની અા અનોખી ઘટના પરથી લગાવી શકાય છે. અહીં એક મહિલા જમીન પર જ અામલેટ બનાવતી દેખાય છે. મહિલાઅે ગરમીનો પ્રકોપ દર્શાવવા માટે પોતાના ઘરની જમીન પર જ અામલેટ બનાવી દીધી અને તેનો વીડિયો પણ શૂટ કર્યો.
વીડિયોમાં મહિલા પહેલાં એક વાડકામાં ઇંડુ ફીણતી દેખાય છે. ત્યાર બાદ ફીણેલા ઇંડાને સૂર્યની ગરમીથી તપેલી જમીન પર નાખે છે અને થોડીક ક્ષણોમાં અામલેટ બની જાય છે. તેલંગાણામાં હાલમાં જબરદસ્ત લૂ ચાલી રહી છે. રાજ્યના ઘણા વિસ્તારમાં તાપમાન સતત ઊંચું જતું જાય છે અને શુક્રવારે તે ૪૦થી ૪૫ ડિગ્રી વચ્ચે રહ્યું.

હૈદરાબાદ સ્થિત મોસમ વિભાગના અધિકારીઅોનું કહેવું છે કે રાજ્યમાં અાવનારા ત્રણ દિવસ સુધી અા પ્રકારની લૂ ચાલતી રહેશે. છેલ્લાં છ વર્ષમાં ક્યારેય પણ અેપ્રિલ મહિનાનું તાપમાન ૪૧ ડિગ્રીથી ઉપર ગયું નથી, પરંતુ અા વર્ષે ૧૩-૧૪ અેપ્રિલે તાપમાનમાં અચાનક છલાંગ અાવી છે. અા પહેલાં અેપ્રિલ મહિનામાં અત્યાર સુધી સૌથી વધુ તાપમાન ૧૯૭૩માં ૪૩.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ગરમીના પ્રકોપથી બચવા માટે લોકો પોતાના ખિસ્સામાં ડુંગળી રાખીને જાય છે.

You might also like