આ શખ્સે E-મેમો ના ગણકાર્યો, હવે દંડ રૂ. 1 લાખ 83 હજાર થઈ ગયો!

નવી દિલ્હી, બુધવાર
કેટલાક લોકો એવું માનતા હોય છે કે આપણા દેશમાં નિયમો તોડવા માટે જ બને છે. આવા લોકોની અહીં કોઇ કમી નથી. તેલંગાણામાં આવું માનતા એક કારચાલકથી ટ્રાફિક પોલીસ પરેશાન થઇ ગઇ છે.

આજકાલ ઠેર ઠેર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હોવા છતાં ઓવર સ્પીડિંગ, સીટ બેલ્ટ અને હેલ્મેટ વગર બાઇક રાઇડિંગ જેવા તમને ખ્યાલ પણ ન હોય તેવા નિયમ ભંગ ટ્રાફિક પોલીસની નજરમાં આવી જાય છે.

તેલંગાણામાં એક કારચાલક એક વર્ષમાં ૧ર૭ વાર ટ્રાફિકનો નિયમ ભંગ કરી ચૂકયો છે. છતાં પણ તેણે એક પણ વાર દંડની રકમ ભરી નથી. દરેક વખતે ૧૪૩પ રૂપિયાના દંડનું ઇ-ચલણ તેના ઘરે પહોંચાડવામાં આવે છે, પરંતુ તેણે આજ સુધી એક પણ વાર દંડ ભર્યો નથી.

ર૦૧૭ની ૪ એપ્રિલથી, ર૦૧૮ ૧૦ માર્ચ સુધીના તેના બધા દંડની રકમનું ટોટલ કરીઅે તો તેના પર રૂ.૧,૮૩,૦૦૦નો દંડ લાગી ચૂકયો છે. ટ્રાફિક પોલીસે નિયમોનું કડક પાલન થાય તે માટે છ મોબાઇલ પેટ્રોલ ટીમ બનાવી છે અને પાંચ સ્પીડ ગન પણ રાખી છે.

હવે પોલીસે શહેરની બહારના તમામ ટોલનાકાં અને શહેરના તમામ મુખ્ય ચાર રસ્તાઓ પર આ નંબરની ગાડી માટે તમામ ટ્રાફિક પોલીસને સાબદી કરી દીધી છે.

You might also like