વિવાદોમાં તેલંગણા બોર્ડ રિઝલ્ટઃ સાત દિવસમાં 18 વિદ્યાર્થીએ આત્મહત્યા કરી

તેલંગણા બોર્ડ ઈન્ટરમિડિયેટ પરીક્ષાના પરિણામો વિવાદોમાં ઘેરાયું છે. રિઝલ્ટ જારી થયાના એક અઠવાડિયાની અંદર અત્યાર સુધી ૧૮ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી છે. તેને લઈને વિદ્યાર્થીઓનાં માતા-પિતા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેલંગણા બોર્ડ ઓફ ઈન્ટરમિડિયેટ એજ્યુકેશનનાં પરિણામોને જોતાં રાજ્ય સરકારે આ વખતે પરીક્ષામાં નાપાસ થયેલા ત્રણ લાખથી વધુ બાળકોની કોપીઓ ફરી વખત તપાસવાના આદેશ આપ્યા છે.

પરીક્ષાનાં પરિણામો ૧૮ એપ્રિલે જાહેર કરાયાં હતાં. આ વર્ષે પરીક્ષામાં લગભગ ૯.૭૪ લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાંથી ૩.૨૮ લાખ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. રાજ્ય સરકારે આ વખતે પરીક્ષાના રજિસ્ટ્રેશનથી લઈને રિઝલ્ટ જારી કરવા સુધીની જવાબદારીઓ એક પ્રા‍ઈવેટ ફર્મ ગ્લોબરેના ટેકનોલોજીને આપી હતી. વિદ્યાર્થીઓ અને વાલીઓનું કહેવું છે કે ફર્મે મોટી બેદરકારી દાખવતા વિદ્યાર્થીઓને નાપાસ કરી દીધા છે.

આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓમાં એક વિદ્યાર્થી જી. નાગેન્દ્ર પણ હતો જે નારાયણ કોલેજમાં અભ્યાસ કરતો હતો. મેથ્સમાં નાપાસ થયા બાદ નાગેન્દ્રએ આત્મહત્યા કરી લીધી હતી. નાગેન્દ્રના પિતાજી વિવેકાનંદે જણાવ્યું હતું કે તેનો પુત્ર અભ્યાસમાં સારો હતો અને તે એ વાતને સ્વીકારી ન શક્યો કે તે મેથ્સમાં નાપાસ થઈ શકે છે, જે તેનો સૌથી પસંદગીનો વિષય હતો.

થોડા દિવસ પહેલાં નાગેન્દ્ર બધાથી દૂર દૂર અને અલગ રહેવા લાગ્યો. ખાવા પીવાનો ઈન્કાર કરી રહ્યો હતો. તેને લાગ્યું કે મેથ્સમાં નાપાસ થયા બાદ તેની જિંદગી ખરાબ થઈ ગઈ છે. રિપોર્ટ મુજબ ફર્મે એવા વિદ્યાર્થીઓને પાંચથી ૧૦ માર્કસ આપ્યા છે જે અભ્યાસમાં હંમેશાં આગળ રહેતા હતા. કેટલાક વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોવા છતાં તેમણે ગેરહાજર બતાવાયા હતા.

૧૨ ધોરણના વિદ્યાર્થી જી. નાવ્યાને તેલુગુ પેપરમાં શૂન્ય માર્કસ આવ્યા હતા. જ્યારે તેને પેપરનું રિઈવેલ્યુએશન કરાવ્યું ત્યારે તેણે ૯૯ માર્કસ આવ્યા હતા. ત્યાર બાદ વિરોધ પ્રદર્શને જોર પકડ્યું હતું. નાવ્યાનો કેસ આશંકાને મજબુત કરે છે કે રિઝલ્ટ તૈયાર કરવામાં ઘણી ગરબડ થઈ છે.

You might also like