શાહબુદ્દીન બાદ તેજપ્રતાપ સાથે પણ ભાગેડુ શાર્પશૂટર મહંમદ કૈફ દેખાયો

નવી દિલ્હી: બિહારના પત્રકાર રાજદેવ રંજનની હત્યાના કેસમાં વોન્ટેડ ભાગેડુ શાર્પ શૂટર મહંમદ કૈફની એક તસવીર હવે રાજદના વડા લાલુ યાદવના પુત્ર અને બિહારના પ્રધાન તેજપ્રતાપ સાથે સામે આવી છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે આ તસવીર સામે આવ્યા બાદ બિહારમાં રાજદ અને જદયુ ગઠબંધન વચ્ચે ખટરાગ વધી શકે છે.

આ અગાઉ હત્યાના આરોપીની તસવીર રાજદના પૂર્વ સાંસદ મહંમદ કૈફ શાહબુદ્દીન સાથે પણ જોવા મળેલ છે.
બાહુબલિ નેતા શાહબુદ્દીન ૧૧ વર્ષ બાદ જામીન પર જેલમાંથી બહાર આવ્યા અને મુખ્યપ્રધાન નીતિશકુમાર અંગે વિવાદી નિવેદન આપ્યું એ દિવસના ફોટોગ્રાફસ અને વીડિયો ફૂટેજમાં શાહબુદ્દીનની પાછળ કહેવાતો શાર્પશૂટર મહંમદ કૈફ જોવા મળ્યો હતો.

આ વર્ષે મે મહિનામાં વરિષ્ટ પત્રકાર રાજદેવ રંજનની હત્યાના મામલામાં પોલીસ આરોપી મહંમદ કૈફની શોધ કરી રહી છે અને તે હાલ ફરાર છે. જોકે શનિવારે શાહબુદ્દીનની જેલ મુક્તિ માટે ભાગલપુર જેલની બહાર તે શાહબુદ્દીનનું સ્વાગત કરવા માત્ર હાજર જ ન હતો, પરંતુ બાહુબલીના સિવાન સુધીના ૧૩૦૦ કારના કાફલામાં પણ તે સવાર હતો.

મંગળવારે વિરોધપક્ષના નેતા ભાજપના સુશીલકુમાર મોદીએ જણાવ્યું હતું કે શાહબુદ્દીન અને રાજદેવ રંજનના હત્યારા વચ્ચેની સાઠગાંઠ અંગે આનાથી વધુ બીજા કયા પુરાવાની જરૂર છે ? અત્રે ઉલ્લેખનીય છે કે રંજન હત્યાકાંડ બાદ ઉપેન્દ્રસિંહ સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ઉપેન્દ્રના તાર પણ શાહબુદ્દીન સાથે સંકળાયેલા હોવાનું માનવામાં આવે છે.

You might also like