“બિહારથી એક એક ઇંટ યુપી લઇ જઇને અયોધ્યામાં રામમંદિર બનાવીશું”

નાલંદા: અયોધ્યામાં રામમંદિર બનાવવા વિરુદ્ધ નજરે પડતા રાજદના પ્રમુખ લાલુપ્રસાદ યાદવના પુત્ર અને પૂર્વ પ્રધાન તેજપ્રતાપ યાદવે એક ચોંકાવનારું નિવેદન કર્યું છે. તેજપ્રતાપ યાદવે બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમારના વતન જિલ્લા નાલંદા ખાતે એક જાહેરસભામાં જણાવ્યું હતું કે જો હવે બિહારમાં રાજદની સરકાર કરશે તો દેશના તમામ ધર્મો સાથે મળીને હું બિહારથી એક એક ઇંટ યુપી લઇ જઇશ અને અમે જ અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ કરીશું.

નાલંદા જિલ્લાના મઘડા ગામમાં આયોજિત સુપ્રસિદ્ધ શીતલાષ્ટમી મેળામાં તેજપ્રતાપ યાદવે જણાવ્યું હતું કે હવે જ્યારે બિહારમાં રાજદની સરકાર કરશે ત્યારે તેઓ અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ કરાવશે. તેમણે જણાવ્યું કે અયોધ્યામાં રામમંદિર બનાવવા માટે એક એક ઇંટ બિહારની ઉત્તર પ્રદેશમાં લઇ જવામાં આવશે અને તેઓ તમામ ધર્મોના લોકો સાથે મળીને અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ કરાવશે.

આ અગાઉ તેજપ્રતાપ યાદવે શીતલાષ્ટમી મેળામાં દંગલ સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો હતો. બિહારના પૂર્વ આરોગ્ય પ્રધાન તેજપ્રતાપ યાદવે શંખનાદ અને બંસરી વગાડીને ભાષણની શરૂઆત કરી હતી. તેમણે દંગલ સ્પર્ધાના સહભાગીઓનું અભિવાદન કર્યું હતું. તેજપ્રતાપ યાદવે આરએસએસ અને ભાજપ સામે નિશાન તાકીને જણાવ્યું હતું કે આ લોકો વોટ માગ્યા બાદ મંદિરનો મુદ્દો ભૂૂલી ગયા છે. રાજદ હવે જ્યારે બિહારમાં સત્તા પર આવશે ત્યારે અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ કરાવશે.

તેજપ્રતાપ યાદવે વધુમાં જણાવ્યું હતું કે રાજદ દ્વારા અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ કરાવ્યા બાદ દેશમાં ભાજપ અને આરએસએસનો ખાત્મો બોલી જશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે ર૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં રાજદ કિંગમેકરની ભૂમિકા ભજવશે. આમ તેજપ્રતાપ યાદવે રામમંદિરના નિર્માણની વાત છેડતાં હવે રાજકીય લોબીઓમાં તેમનું વલણ ચર્ચાસ્પદ બન્યું છે. કારણ કે ભૂતકાળમાં રામમંદિરના નામ પર રથયાત્રા પર નીકળેલા ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની લાલુપ્રસાદ યાદવે જ ધરપકડ કરાવી હતી.

You might also like