મને માનસિક ત્રાસ અપાય છેઃ તેજબહાદુર

નવી દિલ્હી: અગાઉ ફેસબુક પર બીએસએફના જવાનોને હલકી ગુણવતાનું ભોજન આપવામાં આવે છે તેવો આક્ષેપ કરનારા બીએસએફના જવાન તેજબહાદુરનો વધુ એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં તેણે તેને માનસિક રીતે ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદ સાથે વડા પ્રધાન મોદીને તેને મદદ કરવા પ્રાર્થના કરતો હોય તેવું જોવા મળે છે.

તેજબહાદુરે આ વીડિયોમાં જણાવ્યું છે કે વડા પ્રધાને જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારને જડમૂળમાંથી દૂર કરવામાં આવશે. તેથી તેણે બીએસએફના જવાનોને આપવામાં આવતા ભોજનનો વીડિયો બનાવ્યો હતો. હવે આ નવા વીડિયોમાં તેણે આક્ષેપ કર્યેો છે કે મને માનસિક રીતે ત્રાસ આપવામાં આવે છે. આ વીડિયોમાં તેણે જણાવ્યું હતું કે ૧૦ જાન્યુઆરીથી મારો મોબાઈલ જમા લઈ લેવાયો હતો. ત્યારબાદ મને માહિતી મળી છેકે કદાચ મારા મોબાઈલ ફોનના એકાઉન્ટ સાથે છેડછાડ કરવામાં આવી છે. જેમાં મારા કેટલાક પાકિસ્તાની મિત્રોની માહિતી મેળવવામાં આવી હતી. પણ તમે આવી ખોટી અફવા પર વિશ્વાસ ન કરશો. જ્યાં સુધી મારો પોતાનો વીડિયો તમારી સમક્ષ ન આવે. હું તમારા માધ્યમથી વડા પ્રધાનને પૂછવા માગું છુ કે મેં જે બીએસએફનું ભોજન બતાવ્યું હતું તે સાવ સાચું હતું. તેમ છતાં તે અંગે કોઈ તપાસ કરવામાં આવી નથી. અને મને માનસિક રીતે સતત ત્રાસ આપવામાં આવી રહ્યો છે.

તેજબહાદુરે વધુમાં જણાવ્યું કે મારી સાથે આવું કેમ થઈ રહ્યુ છે ? મેં આ વીડિયો અેટલા માટે રજૂ કર્યો હતો કે વડા પ્રધાનની ઈચ્છા છે કે દેશમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ થઈ જાય. અને તેથી મેં આવી આશા સાથે અમારા વિભાગમાં જે ભ્રષ્ટાચાર ચાલે છે તે દર્શાવવા પ્રયાસ કર્યો હતો.
http://sambhaavnews.com/

You might also like