સ્પેનના વડા પ્રધાનને ૧૭ વર્ષીય કિશોરે માર્યો મુક્કો

મેડ્રિડ: સ્પેનના પોન્ટેવેડ્રા શહેરમાં ગઈ કાલે ચૂંટણી પ્રચાર માટે નીકળેલા વડા પ્રધાન મારિયાનો રાજોયના ચહેરા પર અેક ૧૭ વર્ષના કિશોરે જોરદાર મુક્કો મારતાં તેમને સામાન્ય ઈજા થઈ હતી. પોલીસે હુમલાખોર કિશોરની ધરપકડ કરી લીધી છે.

સ્પેનમાં આગામી રવિવારે યોજાનારી ચૂંટણી માટે ગઈ કાલે પોન્ટેવેડ્રામાં પ્રચાર માટે રેલીમાં નીકળેલા ૬૦ વર્ષીય વડા પ્રધાન રાજોયની નજીક અેકાઅેક આવી ગયેલા હુમલાખોરે તેમના ચહેરા પર પંચ મારી દેતાં તેમનાં ચશ્માં તૂટી ગયાં હતાં. જોકે તેમને સામાન્ય ઈજા થઈ હતી. અને તેઓ સ્વસ્થ હોવાનું જણાવાઈ રહ્યું છે. આ ઘટના બાદ પણ રાજોયે પ્રચાર કામગીરી ચાલુ રાખી હતી. રવિવારે મતદાન થવાનું છે ત્યારે હાલ સ્પેનમાં પ્રચાર કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

અેક અહેવાલ મુજબ વડા પ્રધાન પર હુમલો કરનાર કિશોર ગાલિસન સેપેરેટિસ્ટ મૂવમેન્ટ સાથે જોડાયેલો હોવાનું જાણવા મળે છે. તેમજ અેવું પણ કહેવામાં આવે છે કે તે પોન્ટેવેડ્રા ફૂટબોલ કલબનો કટ્ટર સમર્થક પણ હોઈ શકે છે. તો સ્થાનિક મીડિયાઅે જણાવ્યું છે કે રોજગારીની સમસ્યાથી તેણે આવો હુમલો કર્યો હશે. આ ઘટના અંગે અેક વીડિયો બહાર આવ્યો છે. જેમાં વડા પ્રધાન પર હુમલો કરનારે કાળા રંગનું જેકેટ પહેરેલું છે. આ હુમલાથી રાજોયના ગળા અને ચહેરાની ડાબી બાજુઅે થયેલી ઈજાનાં નિશાન જોવાં મળે છે.

You might also like