માથાના પક્ષઘાતને માત દઈને ૧૩ વર્ષના હસને કિક બોક્સિંગની મેચ જીતી લીધી

વોલસોલ (ઇંગ્લેન્ડ):  માથાના પક્ષઘાત સામે ઝઝૂમી રહેલા ૧૩ વર્ષીય હસન અફઝલ કિક બોક્સિંગની મેટ પર ઊતર્યો ને પોતાનો પ્રથમ મુકાબલો જીતી પણ લીધો. હસનને કહેવામાં આવ્યું હતું કે તે ક્યારેય ચાલી પણ નહીં શકે. હસને તમામ મુશ્કેલીઓ સામે લડીને તાકાત વધારવા માટે કિક બોક્સિંગ શરૂ કર્યું અને ત્યારબાદ તે આ રમત સાથે જોડાઈ ગયો. હસનના આ પ્રથમ મુકાબલાનો વીડિયો વાઇરલ થઈ ગયો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે હસન પહેલાં પોતાના હરીફ સાથે ગ્લોવ્ઝ ટકરાવે છે અને ત્યારબાદ તેના ઉપર કિકનો વરસાદ વરસાવી દે છે. અંતે હરીફ મેટ પર ઢળી પડે છે.

હસનના ટ્રેનર વેન હેસ્કેટ કહે છે, ”જ્યારે હસન અહીં આવ્યો ત્યારે તેની બહેન તેને સહારો આપીને લઈ આવી હતી. ૧૦ સપ્તાહના કોર્સ બાદ તે વધુ મજબૂત બની ગયો હતો. તે હંમેશાં ૨૦૦ ટકા આપવાનો પ્રયાસ કરતો હતો. ત્યારબાદ તે ક્લબ સાથે જોડાઈ ગયો. પાછલાં કેટલાંક વર્ષથી તે અહીં જ રહે છે અને હવે તે પોતાના પગ પર ઊછળીને કિક પણ લગાવી શકે છે.”
http://sambhaavnews.com/

You might also like