ટેક્નોલોજી જીવનને સરળ અને સિક્યોર બનાવે છે

જ્ઞાન સાથે વિજ્ઞાનનું કોમ્બિનેશન કાયમને માટે અનોખું રહ્યું છે. આ ટેક્નોલોજીનો યુગ છે. આપણી જિંદગીને જ્યારે ટેક્નોલોજીએ કંટ્રોલમાં કરી લીધી છે ત્યારે એટલું જાણવું જરૃરી છે કે તે આધુનિક ઉપકરણોનો ઉપયોગ કેવી રીતે કરી શકાય. સાથે તેના ફાયદા અને ગેરફાયદા જાણવા એ મહત્ત્વનું છે.
આજકાલ લગભગ દરેકના હાથમાં સ્માર્ટ ફોન જોવા મળે છે. જ્યારે માણસ કંઈ ના કરતો હોય ત્યારે ફોન સાથે ચેડાં કરતો હોય છે. તેવા સમયમાં તેનું મનગમતું કાર્ય હોય છે સોશિયલ મીડિયા સાથે કોન્ટેક્ટમાં રહેવું કે કોઈ ગેઇમ્સમાં ડૂબેલું રહેવું.

હમણાં એક બનાવ સાંભળવા મળ્યો. દસ વર્ષની સ્પેનિશ છોકરી જેનીશની વાત છે. જેનીશની મોમ ડિવોર્સી હતી. તેણે અન્ય સ્પેનિશ યુવક સાથે રિમેરેજ કર્યા. તેની મૉમ પ્રાઈમરી સ્કૂલમાં ટીચર હતી. સામાન્ય રીતે મા-દીકરી સવારમાં સ્કૂલ સાથે જતાં, પરંતુ સાંજે જેનીશ કલાક વહેલી ઘરે આવતી અને તેની મૉમ ટીચર હોવાથી થોડી મોડી આવતી. આ કલાકમાં મોટેભાગે તેનો સ્ટેપ ફાધર ઘરે વહેલો આવી તેનું બેબી સીટિંગ કરતો. અમેરિકામાં તેર વર્ષથી નાની ઉંમરનાં બાળકોને લીગલી ઘરમાં એકલાં મુકાય નહીં.

વહેલી આવતી જેનીશ સાથે તેનો સ્ટેપ ફાધર ટાઈમ સ્પેન્ડ કરતો. જેનીશને વહાલ કરવા, તેની ટેકકેર કરવા માટે તેનો સ્ટેપ ફાધર શરૃમાં તેની નજીક જઈ ગાલ ઉપર અને બરડે હાથ ફેરવી પંપાળતો. તેમ કરતા તેનામાં કોઈ વિકૃતિએ જન્મ લીધો. હવે તેની નજર આ નાની બાળકી ઉપર બગડી. અત્યારની જનરેશન ઉંમરના પ્રમાણમાં બહુ હોશિયાર થઈ ગઈ છે. અત્યારે ઈન્ટરનેટ અને બીજાં માધ્યમોથી બાળકોને સેક્સ અંગેનું જ્ઞાન વહેલું આવવા લાગે છે.

જેનીશને લાગ્યું કે તેનો ડેડ તેની સાથે કંઈ અલગ બિહેવ કરી રહ્યો છે. તેમાંય જ્યારે તે ટાઈટ હગ કરતો તે વાત જેનીશને જરાય ગમતી નહોતી. જેનીશે તેની મૉમને આ વાત કહી તો જવાબ મળ્યો ‘હી લવ્સ યુ, હી ઇઝ યોર ડેડ’.આથી તેના સ્ટેપ ડેડની હિંમત વધી ગઈ. પરિણામે એક દિવસ દારૃના નશામાં તે વધુ છૂટછાટ લેવા લાગ્યો. જેનીશ હવે વધુ એલર્ટ થઈ ગઈ હતી. જેનીશ પાસે તેની મૉમનો જૂનો આઈફોન હતો. તે ફોન તરીકે યુઝ નહોતો થતો પરંતુ તેમાં ડાઉનલોડ કરેલાં સોંગ્સ સાંભળવાં, ગેઇમ્સ રમવા અને ફોટા પાડવા જેનીશ તેનો ઉપયોગ કરતી. તેની સ્કૂલમાં દર મહિને યોજાતી એસેમ્બલીમાં બાળકોને અલગઅલગ સબ્જેક્ટ પર અવેરનેસ વિશે શીખવવામાં આવતું હતું. જેના ભાગરૃપે થોડા સમય પહેલાં જેનીશને મુશ્કેલીના સમયે વીડિયો રેકૉર્ડિંગ વિશે સમજાવાયું હતું. તેણે સ્કૂલમાં શીખવ્યા પ્રમાણે સાવચેતીપૂર્વક તેના ફોનનો વીડિયો ઓન કરી બધું જ રેકૉર્ડ કરી લીધું અને તેની મૉમને બતાવ્યું. પરિણામે તે સંકટમાંથી સમયસર બચી ગઈ.

આમ, ટેક્નોલોજી આપણા જીવનને સરળ અને સિક્યોર બનાવવામાં મદદ કરે છે. સમયસર મદદ મળતા મોટા એક્સિડન્ટ થતા રહી ગયાના કે કેટલાયના જાન બચી ગયાના દાખલા જોવા મળ્યા છે. બરાબર આ જ વખતે એક ચોંકાવનારી વાત સામે આવી હતી. જેમાં તેના સ્ટેપ ફાધરને કોઈ સેક્સી વીડિયો ગેઇમ રમવાની આદત હતી. આથી એમાં આવતા સેક્સી અને વાયૉલન્સ સીનની તેના ઉપર ભારે અસર થઈ હતી અને ઉત્ત્।ેજનાને
કારણે એ પોતાનો કાબૂ ગુમાવી બેઠો હતો.

ટેક્નોલોજીનાં અવળાં અને સવળાં બેઉ પાસાં જોવાં જરૃરી છે. આજકાલ બાળકોની સાથે મોટાઓમાં પણ વીડિયો ગેઇમ્સનું ચલણ વધુ જોવા મળે છે. કેટલાક સાઇકૉલોજી નિષ્ણાતોનું માનવું છે કે વીડિયો ગેઇમ રમવાથી બાળકોનું માઈન્ડ શાર્પ અને ત્વરિત નિર્ણયો માટે તૈયાર થાય છે. તો સામે એક વર્ગ એવુંય માને છે કે આવી ગેઇમ્સમાં બાળકો રચ્યાંપચ્યાં રહી સમયનો બગાડ કરે છે. તેમાંય ક્રિમિનલ બિહેવિયર ગેઇમ કુમળા બાળમાનસને વિકૃતિઓ તરફ દોરે છે.

થોડા સમય પહેલાં કોલંબિયાની હાઈસ્કૂલમાં ભણતાં એક સ્ટુડન્ટે હાઈસ્કૂલમાં ગન લાવી શૂટ કર્યું હતું. આમ કરવાનું કારણ હતું તે કોઈ વીડિયો ગેઇમના કેરેક્ટરથી પ્રેરિત થઇ તેના જેવો બનવાનો પ્રયત્ન કરતો હતો.
પરિણામે આવી ઉત્તેજક સેક્સી અને વાયૉલન્સ ગેઇમ્સ ઉપર અમેરિકન સાઇકોલૉજિકલ એસોસિયેશન દ્વારા પ્રતિબંધ મુકાયો છે. તેઓનું માનવું છે કે કોઈ પણ આવી રમત જો સતત ત્રણ કલાક રમવામાં આવે તો તમે તેની અસર હેઠળ ચોક્કસ આવી શકો છે.

જેમ દરેક સિક્કાની બે બાજુઓ હોય છે તે પ્રમાણે અદ્યતન ટેક્નોલોજીની ખૂબી અને ખામીઓને ગણતરીમાં લઇ તેનો કેવો અને કેટલો ઉપયોગ કરવો તે જાણવું જરૃરી છે. જો આમ કરવામાં આવે તો જીવન સરળ અને સલામત રહે છે.

You might also like