ભારત-બ્રિટન વચ્ચે ટેકનોલોજી, બિઝનેસ, મૂડીરોકાણ સહિત નવ કરાર પર હસ્તાક્ષર

લંડન: ભારત અને બ્રિટને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ટેકનોલોજી, વ્યાપાર અને મૂડી રોકાણ સહિત નવ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. બંને દેશોએ આંતરરાષ્ટ્રીય અપરાધો ખતમ કરવાના ઉદ્દેશ્યથી માહિતીના આદાન-પ્રધાન અને સહકાર માટેની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. અપરાધીઓના રેકોર્ડના આદાન પ્રદાન સાથે જ સંગઠિત અપરાધોને ખતમ કરવા માટે પણ એક કરાર કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત બંને દેશોએ સાયબર સંબંધોની સાથે જ સ્વતંત્ર, મુક્ત, શાંતિપૂર્ણ અને સુરક્ષિત સાયબર સ્પેસના સંબંધમાં સમજૂતી ઉપરાંત સાયબર સુરક્ષા પ્રબંધન પર પણ સમજૂતી કરી છે. માહિતીના આદાન પ્રદાનના સહયોગ અંગે પણ કરાર કરવામાં આવ્યો છે.

આ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટનના વડા પ્રધાન થેરેસા મે સાથેની મુલાકાત દરમિયાન ખાતરી આપી હતી કે બ્રિટન યુરોપિયન સંઘથી અલગ થવાના કારણે દ્વિપક્ષીય વ્યાપારને વધારવા માટે વધુ સારી તકો મળી છે. બંને નેતાઓએ ભારત અને બ્રિટનના સંબંધોમાં વિવિધ આયામો અંગે લાભદાયક વાતચીત કરી હતી.

આ દરમિયાન આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી, કટ્ટરવાદ અને ઓનલાઈન કટ્ટરવાદ પણ ચર્ચા થઈ હતી. ત્યાર બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ દ્વિતીય સાથે બકિંગ હાસ પેલેસમાં મુલાકાત કરી હતી અને બંને દેશોનાં હિતો પર વાતચીત કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે બ્રિટનના વડા પ્રધાન થેરેસા મેના સત્તાવાર નિવાસસ્થાન ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે બ્રેકફાસ્ટ પર મુલાકાત કરી હતી. થેરેસા મેએ મોદી સાથે ઉષ્માભર્યું હસ્તધૂનન કરતાં જણાવ્યું હતું કે મિ. પ્રાઈસ મિનિસ્ટર યુ આર વેલકમ ઈન લંડન. મુલાકાત બાદ મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે તેમની સાથે અનેક મુદ્દે લાભકારક વાતચીત થઈ. તેમને ખાતરી છે આ મુલાકાતથી આપણા સંબંધોમાં નવી ઊર્જાનો સંચાર થશે.

You might also like